- આગામી ત્રણ દિવસ સુધી પંજાબ, દિલ્હી, રાજસ્થાનમાં ગરમીથી રાહત મળશે
- ઉત્તર ભારતમાં હવામાનમાં બદલાવ થયો
- દિલ્હી સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા
દેશના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. જ્યારે કેટલાક રાજ્યોમાં લોકો લૂથી ઝઝૂમી રહ્યા છે. જો કે વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થવાથી ઘણા રાજ્યોમાં હવામાનમાં અણધાર્યો ફેરફાર થઈ ગયો છે. વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાનમાં પરિવર્તન આવતા દિલ્હી, બિહાર, યુપી સહિતના ઘણા રાજયોમાં ગત કેટલાક દિવસોથી હવામાન એકંદરે સારું થયું છે.
ઉત્તર ભારતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ
હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી ત્રણ દિવસ પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગરમીથી થોડી રાહત મળશે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં જોરદાર પવન, ગાજવીજના વાદળો અને હળવા વરસાદની શક્યતાઓ છે ત્યારે થોડી વધુ અસર જોવા મળશે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો આ રાજ્યમાં પણ હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. બુધવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાના કારણે લોકોને મોટી રાહત મળી છે. તે જ સમયે, ગુરુવારે ઘણા જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. 13 મે સુધી સતત વાવાઝોડાની શક્યતા છે. પૂર્વ ઉત્તર પ્રદેશમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.તે જ સમયે, ઝારખંડમાં, રાંચી સહિત આસપાસના ઘણા જિલ્લાઓમાં લોકોને કાળઝાળ ગરમી, વધતા તાપમાન અને અસહ્ય ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગનું કહેવું છે કે 14 મે સુધી આકાશ વાદળછાયું રહેશે અને કેટલીક જગ્યાએ વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન, વાવાઝોડાને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદની શક્યતા
આગામી 16 મે સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વીજળી, પવન ફુંકાવાની સાથે હળવો વરસાદની આશંકા છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ તેમજ ત્રિપુરામાં ભારે વરસાદની શકયતા છે. આ ઉપરાંત 12 મેના રોજ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન ફુંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.
આ બે રાજ્યોમાં કરાનું એલર્ટ અપાયું
હવામાન વિભાગે એમપી અને મહારાષ્ટ્ર માટે કરાનું એલર્ટ જાહેર કર્યું છે.