- દિલ્હી કોંગ્રેસમાં અસંતોષ આવ્યો સપાટી પર
- 2 પૂર્વ ધારાસભ્યોએ છોડી કોંગ્રેસ પાર્ટી
- પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું
દિલ્હીમાં 25મેના રોજ મતદાન થવાનું છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હી કોંગ્રેસમાં અસંતોષ સપાટી પર આવ્યો છે. પહેલા દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષે તે પદ પરથી રાજીનામુ આપ્યું ત્યારે હવે વધુ બે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે.
પૂર્વ ધારાસભ્યોએ હાથનો છોડ્યો સાથ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો નીરજ બસોયા અને નસીબ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ અંગે પત્ર લખીને પાર્ટીને જાણ કરી હતી જેમાં પાર્ટી છોડવાનું કારણ પણ જણાવ્યું છે. મહત્વનું છે કે આ પહેલા શનિવારે અરવિંદરસિંહ લવલીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું હતું. તેમણે AAP સાથે ગઠબંધન અને કન્હૈયા કુમાર અને ઉદિત રાજને ઉમેદવાર બનાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી.
કેમ આપ્યુ રાજીનામુ ?
તેમણે પોતાના પત્રમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન અત્યંત અપમાનજનક છે, કારણ કે આમ આદમી પાર્ટી છેલ્લા 7 વર્ષોમાં ઘણા કૌભાંડો સાથે સંકળાયેલી છે. AAPના ટોચના ત્રણ નેતાઓ અરવિંદ કેજરીવાલ, સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા તો પહેલેથી જ જેલમાં છે. આમ આદમી પાર્ટી પર દિલ્હી લીકર પોલીસી સ્કેમ અને દિલ્હી જળબોર્ડ સ્કેમ જેવા ગંભીર ભ્રષ્ટાચારના આરોપ છે.
દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન થશે
ઉલ્લેખનીય છે કે આ વખતે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો અસંતોષ ખુલ્લેઆમ બહાર આવી રહ્યો છે. આ ગઠબંધન હેઠળ AAPને ચાર અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે. દિલ્હીની તમામ બેઠકો માટે 25 મેના રોજ મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.