• રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના
  • DTC બસ મેટ્રોના પિલર સાથે અથડાઈ
  • 1નું મોત અન્ય 23 મુસાફરો ઇજાગ્રસ્ત

રાજધાની દિલ્હીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક DTC  બસ મેટ્રોના પિલર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 23 લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.

પશ્ચિમ દિલ્હીમાં સોમવારે સવારે DTC ઇલેક્ટ્રિક બસ મેટ્રોના થાંભલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 23 અન્ય લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. એક ઈજાગ્રસ્તની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસનું કહેવું છે કે ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનો તાગ મેળવ્યો હતો. આ મામલે FIR નોંધવામાં આવી છે. આગોતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ઓટો પાછળથી બસ સાથે અથડાઈ

આ ઘટના વિશે માહિતી આપતા ડેપ્યુટી પોલીસ કમિશનર (પશ્ચિમ) વિચિત્ર વીરએ જણાવ્યું કે પંજાબી બાગ પોલીસ સ્ટેશન પર સવારે 7.42 વાગ્યે આ અકસ્માત અંગેનો ફોન આવ્યો હતો. રોહતક રોડ પર શિવાજી પાર્ક મેટ્રો સ્ટેશન પાસે બસ મેટ્રોના થાંભલા સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. ડીસીપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મંગોલપુરી અને આનંદ વિહાર વચ્ચે ચાલતી ડીટીસી ઇલેક્ટ્રિક બસ મેટ્રોના થાંભલા સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું કે, અચાનક બસને બ્રેક મારવાને કારણે પાછળથી એક ઓટો-રિક્ષા પણ તેની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત કુલ 24 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

એક ઘાયલ ICUમાં દાખલ

બસમાં સવાર 45 વર્ષીય મહિલા મુસાફરને મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ સિવાય અન્ય 55 વર્ષીય મુસાફરની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે." ડીસીપીએ કહ્યું કે 23 ઘાયલોમાંથી 14ની મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે બાકીના 10ને મોતી નગરની આચાર્ય ભિક્ષુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના અંગે પંજાબી બાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઉપરાંત પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ હાથ ધરી હતી. 

  • Follow us on: