ભાજપે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઢંઢેરાનો બીજા ભાગને બહાર પાડ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકુરે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલ્પ પત્રનું વિમોચન કર્યું અને દિલ્હીના લોકો માટે વચનોનો લ્હાણી કરી હતી. સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે જો દિલ્હીમાં ભાજપ સરકાર બનાવે છે, તો ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા રહેશે. શીશ મહેલ અને મોહલ્લા ક્લિનિક પર SIT ની રચના કરવામાં આવશે. દિલ્હીની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને KG થી PG સુધી મફત શિક્ષણ આપવામાં આવશે.
બીજેપીના સંકલ્પ પત્રનો પાર્ટ -2
- યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસવા માંગતા જરૂરિયાતમંદ ઉમેદવારોને તેમની તૈયારી માટે એક વખતની 15000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.
- ડૉ. બી.આર. આંબેડકર સ્ટાઈપેન્ડ યોજના શરૂ કરશે, જે હેઠળ IIT, સ્કિલ સેન્ટર, પોલિટેકનિકમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને દર મહિને 1000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
- ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે ઓટો અને ટેક્સી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે, જેમાં 10 લાખનો જીવન વીમો, 5 લાખ સુધીનો અકસ્માત વીમો, તેમના બાળકો માટે શિષ્યવૃત્તિ, સબસિડીવાળા વાહન વીમો આપવામાં આવશે.
- 6 મહિનાની પેઇડ મેટરનિટી લીવ આપવામાં આવશે.
- ઘરેલુ કામદારો માટે ઘરેલુ કામદાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવશે.
- પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓની સંખ્યા બમણી કરશે.
શું બોલ્યા અનુરાગ ઠાકુર ?
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ભાજપના મેનિફેસ્ટોનો બીજો ભાગ બહાર પાડતા સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે જ્યારે આપણે વિકસિત ભારતની કલ્પના કરીએ છીએ ત્યારે તેમાં વિકસિત દિલ્હીની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આજે હું તમારા બધા સમક્ષ તેનો બીજો ભાગ લઈને આવ્યો છું. અમે દિલ્હીના લોકોની આજ અને આવતીકાલ વધુ સારી આપવાનો પ્રયાસ કરીશું. ભાજપ સરકાર બન્યા પછી અમે આરોગ્ય, ટ્રાફિક, વીજળી, પાણી અને પરિવહન વગેરે સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ લાવીશું.