- દિલ્હી સ્થિત આવકવેરા કચેરીમાં ભીષણ આગ લાગી હતી
- આ આગમાં 46 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે
- મૃતક વ્યકિત ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા
દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત આવકવેરા કચેરીમાં ભીષણ આગ લાગી હતી. આવકવેરા વિભાગની ઇમારત દિલ્હી પોલીસ હેડક્વાર્ટરની પાછળ આવેલી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ ઓલવવા માટે ફાયર વિભાગની કુલ 21 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગમાં 46 વર્ષના એક વ્યક્તિનું મોત થયું છે. આ આગ કેવી રીતે લાગી? આ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. દિલ્હી પોલીસે કહ્યું છે કે આ ઈમારતમાંથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
આવકવેરા કચેરીમાં ભીષણ આગ
સીઆર બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગી હોવાની માહિતી મળી હતી. ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ પછી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે 46 વર્ષીય વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો હતો. તેઓ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે કામ કરતા હતા. ફોરેન્સિક વિભાગની ટીમ સ્થળ પર હાજર છે.
આગનો વીડિયો સામે આવ્યો
એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ અહીં હાજર છે. સ્થાનિક પોલીસની સાથે કેટલાક લોકો પણ ત્યાં જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારતમાં ફસાયેલા લોકોને સીડી દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. આ આગને કાબુમાં લેવા માટે ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ફાયર વિભાગના અધિકારીનું નિવેદન
દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે, 'અમને બપોરે લગભગ 3.07 વાગ્યે ITOમાં ઈન્કમ ટેક્સ ઓફિસ સીઆર બિલ્ડીંગમાં આગની માહિતી મળી હતી. અમે કુલ 21 ફાયર એન્જિન સાથે ત્યાં પહોંચ્યા. અમે આ બાબતે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી જેથી કરીને મામલાની તપાસ થઈ શકે અને કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં રાખી શકાય.