- ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોટી બેઠક
- બીજેપી અધ્યક્ષ જે.પી નડ્ડા રહ્યા બેઠકમાં હાજર
- સંસદ સત્ર અને સ્પીકર પદને લઇને ચર્ચા સંભવ
લોકસભાની ચૂંટણી બાદ તમામ મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે.ત્યારે હવે સૌ કોઇની નજર છે લોકસભા સ્પીકર પદ પર. સંસદનું 8 દિવસનું વિશેષ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલી શકે છે. સંસદના વિશેષ સત્રમાં 24 અને 25 જૂને નવા સાંસદો શપથ લઈ શકે છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાય તેવી શક્યતા છે. જેને લઇને અમિત શાહના ઘરે બેઠક મળી છે.
બેઠકમાં કોણ કોણ હાજર ?
બેઠકમાં જે.પી નડ્ડા પણ હાજર છે. સંસદ સત્ર અને લોકસભા સ્પીકરને લઇને ચર્ચાઓ થઇ શકે છે. મહત્વનું છે કે ગઇકાલે સાંજે રાજનાથસિંહના ઘરે પણ એનડીએની મહત્વની બેઠક મળી હતી. ચોમેર ચર્ચા એજ થઇ રહી છે કે લોકસભાના સ્પીકર કોણ બનશે. ભાજપ લોકસભાનું સ્પીકર પદ પોતાની પાસે રાખશે કે પછી અન્ય પાર્ટીના ખાતામાં જશે. તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે જેડીયુ અને ટીડીપીએ સ્પીકર પદ માગ્યુ છે. આ પદ પર કોનું નામ નક્કી થશે તેને લઇને બેઠકોનો દોર શરૂ થઇ રહ્યો છે.
24જૂનથી પ્રથમ સત્ર
સંસદીય કાર્યમંત્રી કિરણ રિજીજૂએ બુધવારે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઇ સુધી ચાલશે. આ સત્રના પ્રથમ ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યો શપથ લેશે અને ગૃહના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે.
27 જૂનથી રાજ્યસભાનું સત્ર
તેમણે વધુમાં કહ્યું કે રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ પૂરું થશે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી 27 જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી સંસદમાં તેમના મંત્રી પરિષદના સભ્યોનો પરિચય કરાવશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, આક્રમક વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંસદના બંને ગૃહોમાં ચર્ચાનો પીએમ મોદી જવાબ આપશે.
રાષ્ટ્રપતિ કરશે સંબોધન
રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક સંબોધશે. જે આગામી પાંચ વર્ષની નવી સરકારના કાર્યોની રૂપરેખા રજૂ કરશે. આ અંગે કિરણ રિજીજુએ કહ્યું કે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂન, 2024 થી 3 જુલાઈ 2024 સુધી નવા ચૂંટાયેલા સભ્યોના શપથ, અધ્યક્ષની ચૂંટણી, રાષ્ટ્રપતિના અભિભાષણ અને તેની પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી રહ્યું છે.