દિલ્હી મેટ્રો હંમેશા વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે ચર્ચાનું કારણ એક જાહેરાત બની છે. જેમાં બ્રેસ્ટની સરખામણી નારંગી સાથે કરતા વિવાદ છેડાયો છે. યૂવીકૈન ફાઉન્ડેશનનુ આ પોસ્ટરમાં સ્તન કેન્સરની જાગૃતતા માટેના અભિયાન હેઠળ બનાવ્યુ છે. જેમાં સ્તનને સંતરાના રૂપમાં બતાવ્યુ છે. જેની ટેગ લાઇન લખી છે કે દર મહિને તમારા સ્તનની તપાસ કરાઓ. જેમાં સ્તનને બદલે નારંગી શબ્દનો ઉપયોગ કરતા આ જાહેરાત વિવાદોમાં સપડાઇ. જો કે અંતે તો મેટ્રોમાંથી આ પોસ્ટર હટાવી દેવાયુ છે.
આપણે જાણીએ છીએ કે લોકો ક્રિએટીવ કરવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ ઘણીવાર ક્રિએટીવ કરવાના ચક્કરમાં વિવાદ ઉભો થઇ જાય છે જો કે આ કંઇ પહેલું ઉદાહરણ નથી. અગાઉ પણ અનેક જાહેરાતો વિવાદોમાં સપડાઇ ચૂકી છે. તેના વિશે વાત કરીએ તો.
ડિયોડ્રન્ટની જાહેરાત
શૉટ નામના ડિઓડરન્ટની જાહેરાત હતી. જેમાં 3 છોકરાઓ હતા. તેઓ સ્ટોરમાં જઇને જ્યાં પરફ્યુમ મુક્યા હતા. ત્યાં જઇને ઉભા રહે છે અને પછી અંદરોઅંદર વાત કરે છે કે શોટ તો એક જ છે અને આપણે ચાર છીએ. આવુ બોલે છે ત્યારે ત્યાં એક છોકરી પણ ઉભી હોય છે. આવુ સાંભળતા તે પાછળ ફરીને જુએ છે અને ગુસ્સે થાય છે. શૉટ બ્રાન્ડની અન્ય જાહેરાતોમાં પણ અમુક એવી લાઇન્સ હતી જેના કારણે એટલો વિવાદ થયો હતો કે અંતે સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબ અને તમામ પ્લેટફોર્મ પરથી આ ડિઓડરન્ટ બ્રાન્ડની જાહેરાતને હટાવવાનો આદેશ આપ્યો હતો.
સમલૈંગિક યુગલનું કરવા ચોથ
ડાબરની કોસ્મેટિક બ્રાન્ડ 'ફેમ'ની જાહેરાતમાં બે મહિલાઓને યુગલ વચ્ચે થતી પરંપરાગત વિધિ કરતી બતાવવામાં આવી હતી, જેમાં તેઓ એકબીજાને ચાળણી દ્વારા જુએ છે. આ અંગે મધ્યપ્રદેશના બીજેપી નેતા નરોત્તમ મિશ્રાએ કંપની સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી, આ ચેતવણીના થોડા કલાકોમાં જ કંપનીએ જાહેરાત પાછી ખેંચી લીધી હતી.
દિવાળી પર કપડાની જાહેરાત પર વિરોધ
ફેબ ઈન્ડિયાએ 3 વર્ષ પહેલા એક જાહેરાત બહાર પાડી હતી. જે દિવાળીના સમય પર કપડાને લઇને હતી. તેનું નામ 'જશ્ન-એ-રિવાજ' રાખવામાં આવ્યું હતું. લોકોએ તેની ટીકા કરી હતી અને કહ્યું હતું કે આ બ્રાન્ડ હિંદુ તહેવાર દિવાળીને જશ્ન એ રિવાજ કહીને વિકૃત કરી રહ્યા છે. આ જાહેરાતની પણ ઘણી ટીકા થઇ હતી.
લવ જેહાદને પ્રોત્સાહનનો આરોપ
વર્ષ 2020માં જ્વેલરી બ્રાન્ડ તનિષ્કની જાહેરાતે વિવાદ સર્જ્યો હતો. લોકોએ જ્વેલરી બ્રાન્ડ પર 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો, જો કે બાદમાં કંપનીએ આ જાહેરાતને પાછી ખેંચી લીધી હતી. 43 સેકન્ડની આ જાહેરાતને કારણે ટ્વિટર પર હેશટેગ #BoycottTanishq ટ્રેન્ડ થયુ હતું. આ જાહેરાતમાં મુસ્લિમ પરિવારમાં હિંદુ વહુની બેબી શાવર સેરેમની બતાવવામાં આવી હતી. જેના કારણે વિવાદ સર્જાયો હતો.
જ્વેલરીની જાહેરાત પર હંગામો
અગાઉ કલ્યાણ જ્વેલર્સની પણ એક જાહેરાતને લઇને વિવાદ થયો હતો. જેમાં એક વ્યક્તિ બેંકમાં જાય છે પેન્શન લેવા માટે, પરંતુ તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવતો નથી. આ જાહેરાતનો વિવાદ એટલો વકર્યો હતો કે બેંક યુનિયને તેની ટીકા કરી હતી.