દિલ્હીના સીએમ પદ પર કોણ તેને લઇને હજી સસ્પેન્સ યથાવત છે. હાલમાં સંસદીય દળની બેઠક શરૂ થઇ ગઇ છે. મળતી માહિતી મુજબ સાંજે 7.30 કલાકે સીએમના નામની જાહેરાત કરાશે. ત્યારે આવતીકાલે યોજાના શપથગ્રહણ સમારોહમાં કોણ કોણ હાજર રહેશે. કોને કોને આમંત્રણ અપાયુ છે તે સામે આવી રહ્યુ છે.. જેમાં આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને આતિશીને પણ આમંત્રણ આપ્યું હોવાનું જાણવા મળ્યુ છે.
કેજરીવાલ અને આતિશીને અપાયુ આમંત્રણ
દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પત્ર મોકલ્યું છે. અરવિંદ કેજરીવાલની સાથે આતિશીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે સાંજે 6.30 કલાકે ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં સીએમના નામ પર મ્હોર લગાવાશે.

સાંજે 7 વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક
ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ આજે સાંજે 7 વાગ્યે ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે, ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. નવા મુખ્યમંત્રી માટે ઘણા નામોની ચર્ચા થઈ રહી છે. આ યાદીમાં પહેલું નામ પ્રવેશ વર્માનું છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા બાદ, પ્રવેશ વર્મા હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે.
કયા રાજકીય દિગ્ગજો રહેશે હાજર ?
કહેવામાં આવી રહ્યું છે કે 19 ફેબ્રુઆરીની રાતથી રામલીલા મેદાન તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. ફક્ત VVIP વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 50 થી વધુ ઉચ્ચ સુરક્ષાવાળા નેતાઓ પણ રામલીલા મેદાન પહોંચશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. બધા કેન્દ્રીય મંત્રીઓ અને NDA નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે.
અંબાણી-અદાણીને પણ આમંત્રણ
શપથ ગ્રહણ સમારોહ પહેલા રામલીલા મેદાનના સ્ટેજ પર સંગીત અને ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. કૈલાશ ખૈર દ્વારા એક પ્રદર્શન રજૂ કરવામાં આવશે. ફિલ્મ સ્ટાર્સ અક્ષય કુમાર, વિવેક ઓબેરોય, હેમા માલિની, કૈલાશ ખૈર સહિત 50 થી વધુ ફિલ્મ સ્ટાર્સ હાજર રહેશે. રામલીલા મેદાનમાં મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત એક ડઝન ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત બાબા રામદેવ, સ્વામી ચિદાનંદ, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
30 હજાર મહેમાનોને આમંત્રણ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈનાત કરાયેલા અન્ય રાજ્યોના ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. લાડલી-બહેનોને પણ બોલાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને પણ બોલાવવામાં આવશે. લગભગ 30,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. NDA ના ઘટક પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે.