દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને મોટી જીત મળી છે. આ જીત સાથે રાજધાનીમાં સીએમ પદને લઇને ચર્ચાઓ તેજ બની છે. જે પરથી સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે બીજેપી ધારાસભ્યોમાંથી જ કોઇ મુખ્યમંત્રી હશે. સૂત્રોની માનીએ તો કોઇ મહિલાઓને મુખ્યમંત્રી સીએમ બની શકે છે. માનવામાં તો એવુ પણ આવે છે કે દિલ્હીમાં બીજેપી ડે.સીએમ પણ બનાવી શકે છે.


કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં બીજેપી મંત્રીમંડળમાં મહિલાઓ અને દલિતોને પણ સ્થાન આપવામાં આવશે. મહત્વનું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બે તૃતીયાંશ બહુમતી મેળવી છે અને એક દાયકા પછી આમ આદમી પાર્ટીને સત્તા પરથી દૂર કરી દીધી છે. આ જીત સાથે, હવે ધ્યાન દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર છે, કારણ કે ભાજપે મુખ્યમંત્રી પદ માટે કોઈ ચહેરો જાહેર કર્યા વિના ચૂંટણી લડી હતી. આ સંદર્ભમાં નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવે તેવી અપેક્ષા છે, અને આના તમામ પાસાઓ પર વિચારણા કરવા માટે ચર્ચા ચાલી રહી હોવાનું કહેવાય છે.

સીએમ રેસમાં કોણ કોણ સામેલ ?

પ્રવેશ સાહિબ સિંહ વર્મા

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ સાહિબ સિંહ વર્માએ નવી દિલ્હી બેઠક પરથી AAP વડા અરવિંદ કેજરીવાલને હરાવીને ભાજપ માટે મોટી જીત મેળવી છે. પરિણામોના દિવસથી જ તેમનું નામ ચર્ચામાં રહ્યું છે કારણ કે તેમણે નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે, જે આમ આદમી પાર્ટી માટે મોટી હાર સાબિત થઈ છે.

વિજેન્દ્ર ગુપ્તા

ભાજપના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હી ભાજપના વડા તરીકે સેવા આપી છે અને સતત રોહિણીથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ રહ્યા છે. આપના પ્રભુત્વ બાદ પણ 2015 અને 2020 બંનેમાં જીત હાંસલ કરી હતી. ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતાના રૂપમાં પણ કામ કર્યુ છે.

સતીશ ઉપાધ્યાય

સતીશ ઉપાધ્યાયને ભાજપનો બ્રાહ્મણ ચહેરો માનવામાં આવે છે, તેમણે ભાજપના પ્રદેશ અધ્યક્ષ, દિલ્હી યુવા મોરચાના વડા અને NDMCના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી છે. તેમની પાસે વહીવટી અનુભવ છે અને તેમણે સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવી છે, તેઓ મધ્યપ્રદેશના સહ-પ્રભારી હતા અને RSS સાથે ગાઢ સંબંધો ધરાવતા હોવાનું માનવામાં આવે છે.

આશિષ સૂદ

ભાજપના પંજાબી ચહેરા આશિષ સૂદ કાઉન્સિલર રહી ચૂક્યા છે અને દિલ્હી ભાજપના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં ગોવાના પ્રભારી અને જમ્મુ અને કાશ્મીરના સહ-પ્રભારી છે. તેમના કેન્દ્રીય નેતાઓ સાથે ગાઢ સંબંધો છે અને તેઓ ડીયુના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

જીતેન્દ્ર મહાજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નજીકના જિતેન્દ્ર મહાજન વૈશ્ય સમુદાયમાંથી આવે છે. તેઓ ત્રીજી વખત ધારાસભ્ય બન્યા અને સરિતા સિંહને હરાવીને રોહતાસ નગર બેઠક જીતી.

ચૂંટણીમાં આ મહિલાઓની પણ જીત

ભાજપની ચાર મહિલાઓ દિલ્હી વિધાનસભા પહોંચી છે. જેમાં રેખા ગુપ્તા, શીખા રાય, પૂનમ શર્મા અને નીલમ પહેલવાનનો સમાવેશ થાય છે.


(Diclaimer: નવા સીએમને લઇને આપેલી માહિતી સૂત્રોને આધારે છે. આ માહિતી અંગે સંદેશ ન્યૂઝ- સંદેશ ડિઝિટલ કોઇ પુષ્ટિ કરતું નથી)

  • Follow us on: