દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે દિલ્હીની કમાન કોની હાથમાં તેને લઇને ચર્ચાનો દોર શરૂ થયો છે. મળતી માહિતી મુજબ હજી સુધી મુખ્યમંત્રી કોણ તે અંગે કોઇ સહમતિ બની નથી. પરંતુ એમ કહેવાઇ રહ્યું છે કે 19 ફેબ્રુઆરીએ થનારી ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામનું એલાન કરી શકાય છે.
ક્યારે યોજાશે કાર્યક્રમ
મુખ્યમંત્રીની જાહેરાત પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમ 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:30 વાગ્યે યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહમાં 3 સ્ટેજ બનાવવામાં આવશે. એક મોટો સ્ટેજ 40×24નો હશે. જ્યારે બે સ્ટેજ 34×40 ના હશે. સ્ટેજ પર લગભગ 100 થી 150 ખુરશીઓ લગાવવામાં આવશે. જ્યારે સામાન્ય જનતાને બેસવા માટે લગભગ 30 હજાર ખુરશીઓ લગાવવામાં આવશે.
કયા રાજકીય દિગ્ગજો રહેશે હાજર ?
કહેવામાં આવી રહ્યું છે કે 19 ફેબ્રુઆરીની રાતથી રામલીલા મેદાન તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. ફક્ત VVIP વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 50 થી વધુ ઉચ્ચ સુરક્ષાવાળા નેતાઓ પણ રામલીલા મેદાન પહોંચશે. આ શપથ ગ્રહણ સમારોહમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપશે. બધા કેન્દ્રીય મંત્રીઓ અને NDA નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે.
અંબાણી-અદાણીને પણ આમંત્રણ
શપથ ગ્રહણ સમારોહ પહેલા રામલીલા મેદાનના સ્ટેજ પર સંગીત અને ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. કૈલાશ ખૈર દ્વારા એક પ્રદર્શન રજૂ કરવામાં આવશે. ફિલ્મ સ્ટાર્સ અક્ષય કુમાર, વિવેક ઓબેરોય, હેમા માલિની, કૈલાશ ખૈર સહિત 50 થી વધુ ફિલ્મ સ્ટાર્સ હાજર રહેશે. રામલીલા મેદાનમાં મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિત એક ડઝન ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત બાબા રામદેવ, સ્વામી ચિદાનંદ, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
30 હજાર મહેમાનોને આમંત્રણ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈનાત કરાયેલા અન્ય રાજ્યોના ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. લાડલી-બહેનોને પણ બોલાવવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને પણ બોલાવવામાં આવશે. લગભગ 30,000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. NDA ના ઘટક પક્ષોના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે.













