જ્યાં એક તરફ, કેરળમાં વરસાદે દસ્તક આપી છે. અને મોનસૂન સમય કરતા વહેલું શરુ થયું છે. ત્યાં બીજી તરફ, દેશના મોટાભાગના શહેરોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્હી અને નોઇડામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. જ્યાં 11 સેમીથી 20 સેમી સુધી વરસાદ પડી શકે છે. IMDએ 6 સેમી થી 11 સેમી સુધી ભારે વરસાદ પડવાની શક્યતાવાળા વિસ્તારોમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાની આગાહી
ભારે વરસાદ અને વાવાઝોડા પછી ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીનું આકાશ આંશિક વાદળછાયું રહેશે અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. IMDએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 25 અને 26 મેના રોજ વાવાઝોડા સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 27 મેના રોજ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ પહેલા 21 મેના રોજ સાંજે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને વરસાદ સાથે કરા પડ્યા હતા.
મુંબઈમાં ઓરેન્જ એલર્ટ
દક્ષિણ કોંકણ, ગોવાના દરિયાકાંઠે અને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર ચાલુ છે. આ કારણે, IMD એ આગામી ત્રણ દિવસ માટે કોંકણ ક્ષેત્રમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. IMD એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓ માટે ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે મુંબઈ, થાણે, પાલઘર, સિંધુદુર્ગ તેમજ પુણે અને સતારા માટે ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવન સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.' IMD એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડા અને 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રને ફાયદો થશે
ચોમાસાનું વહેલું આગમન સામાન્ય રીતે તમામ ક્ષેત્રોમાં, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં, જે ભારતના ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે, સકારાત્મક લાગણીઓ લાવે છે. સમયસર વરસાદ ભૂગર્ભજળના સ્તરમાં સુધારો કરે છે, જળાશયો ભરે છે અને ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ અને શાકભાજી જેવા ખરીફ પાકોની વહેલી વાવણીમાં મદદ કરે છે - આ બધા ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ આવક માટે મહત્વપૂર્ણ છે. જોકે, હવામાન નિષ્ણાતોએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે ચોમાસાની શરૂઆત પ્રોત્સાહક છે, પરંતુ વાસ્તવિક અસર આગામી અઠવાડિયામાં દેશભરમાં ચોમાસુ કેટલું સ્થિર અને એકસરખું આગળ વધે છે તેના પર નિર્ભર રહેશે.