દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં વરસાદનું આગમન થઇ ગયુ છે. આ ઉપરાંત અન્ય રાજ્યોના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી એકવાર હવામાનમાં ફેરફાર આવશે અને લોકોને બહુ જલદી ગરમીથી રાહત મળશે.
ઓરેન્જ એલર્ટ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર દિલ્હી એનસીઆરમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાન આવશે અને વીજળીના ચમકારા થશે. આગામી 2 કલાક દરમિયાન દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં ઘણી જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. આ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓરેન્જ એલર્ટ પણ આપ્યુ છે.
દિલ્હીમાં વરસશે વરસાદ
દિલ્હી એનસીઆરમાં, છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. દિલ્હીમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 38 થી 40 ડિગ્રી અને 25 થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. IMDની આગાહી મુજબ આગામી 2 કલાકમાં દિલ્હી, નોઈડા, યુપીના ગાઝિયાબાદ, ફરીદાબાદ અને હરિયાણાના ગુરુગ્રામમાં વરસાદની શક્યતા છે.
આગામી 3 દિવસ એટલે કે 14 થી 16 મે સુધી દિલ્હી NCR માં આકાશ આંશિક વાદળછાયું રહેશે પરંતુ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 40 થી 42 ડિગ્રી અને 27 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતા 2-4 ડિગ્રી વધુ અને મહત્તમ તાપમાન 1-3 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેશે.