દિલ્હીના રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. દિલ્હીમાં નવા મુખ્યમંત્રીના નામ પર મ્હોર વાગી છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી દિલ્હીના નવા સીએમ હશે. આપ પાર્ટીએ ધારસભ્ય દળની બેઠકમાં આતિશીના નામ પર સહમતિ દર્શાવી છે. જે બાદ વિવિધ પાર્ટીના રાજકીય દળોના નેતાઓએ પ્રતિક્રિયા આપવાનુ શરૂ થઇ ગયુ છે. આ વચ્ચે બસપા સુપ્રિમો માયાવતીએ અરવિંદ કેજરીવાલના રાજીનામા પર સવાલ ઉઠાવ્યા છે.


માયાવતીએ માગ્યો હિસાબ

બસપા સુપ્રિમો માયાવતીએ 'X' પર પોસ્ટ કરતા જણાવ્યું કે દિલ્હીના સીએમ પદ પરથી અરવિંદ કેજરીવાલનું રાજીનામું વાસ્તવમાં તેમની ચૂંટણીલક્ષી ચાલ અને જનહિત તથા જન કલ્યાણથી દૂર રાજકીય દાવપેચ છે, પરંતુ તેઓ લાંબા સમયથી જેલમાં હોવાને કારણે દિલ્હીના લોકોએ જે અગણિત અસુવિધાઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે તેનો જવાબ કોણ આપશે?

તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર અને વિપક્ષ વચ્ચેની રાજકીય લડાઈ દુશ્મનાવટના સ્તર સુધી કડવી ન હોય તો સારું રહેશે જેથી દેશ અને જનહિતને અસર ન થાય. બસપાની યુપી સરકારે પણ એવા દિવસો જોવા પડ્યા જ્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે જેવર એરપોર્ટ અને ગંગા એક્સપ્રેસ વે પર અવરોધો ઉભા કર્યા અને જાહેર હિત અને વિકાસમાં પણ અડચણ ઉભા કર્યા.


કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મંત્રી આતિશીને તેમના સ્થાને આગામી મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો હતો. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. આતિશી પાર્ટી અને સરકારનો મુખ્ય ચહેરો છે અને તેઓ નાણાં, શિક્ષણ અને PWD (પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ) સહિત અનેક વિભાગોનો હવાલો ધરાવે છે.


  • Follow us on: