• ઉત્તરકાશી ટનલ રેસક્યુનો 16મો દિવસ
  • હાલ ચાર પ્રકારે ચાલી રહી છે ડ્રિલિંગની કામગીરી
  • શ્રમિકો બહાર જલદી નીકળે તે માટે દેશભરમાં પ્રાર્થના

ઉત્તરકાશી ટનલ રેસક્યુમાં હાલ વર્ટીકલ ડ્રિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. 20 મીટર જેટલુ ડ્રિલિંગ થઇ ગયુ છે. ભારતીય સેનાના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સનું એક એન્જિનિયર જૂથ અને મદ્રાસ સેપર્સનું એક યુનિટ પણ બચાવ કામગીરીમાં રોકાયેલું છે. મેન્યુઅલ ડ્રિલિંગમાં મદદ કરવા સાથે, આ સૈનિકો ઓગર મશીનની શાફ્ટને કાપીને અલગ કરી રહ્યા છે. ત્યારે હવે શ્રમિકો જલ્દીથી બહાર નીકળે તે માટે દેશભરમાં પ્રાર્થનાનો દોર શરૂ થઇ ગયો છે.

હરિ કી પૌડીમાં 21હજાર દિવા

દેવદિવાળીનો પર્વ હોવાથી હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. આમ જાણે કિડીયારુ ઉભરાયુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા લોકો જલ્દીથી બહાર આવે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. હરિ કી પૌડી ખાતે 21 હજાર દિવા પ્રગટાવવામાં આવ્યા હતા.

 શું છે પ્રથમ વિકલ્પ ?

ચારધામ યાત્રાના રૂટ પર બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો, જેના કારણે તેમાં કામ કરી રહેલા 41 કામદારો ફસાયા હતા અને તેમના સુધી પહોંચવાના પ્રયાસોમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે સુરંગમાંથી ફસાયેલા કામદારોને બહાર કાઢવાની પ્રથમ યોજનામાં ઓગર મશીનના અટવાયેલા ભાગને કાપીને દૂર કરવામાં આવશે, ત્યારબાદ કામદારો નાના સાધનોનો ઉપયોગ કરીને કાટમાળને હાથથી ખોદશે.


શું છે બીજો વિકલ્પ?

તેમણે કહ્યું કે બીજી યોજનામાં ટનલના ઉપરના વિસ્તારમાં 82 મીટરનું વર્ટિકલ ખોદકામ કરવામાં આવશે અને આ માટે મશીનનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને મશીનનો એક ભાગ પણ ત્યાં લઈ જવામાં આવ્યો છે. તેમના મતે આ યોજના પર કામ રવિવારથી શરૂ થઈ શકે છે.


શું છે ત્રીજી યોજના?

અધિકારીઓએ જણાવ્યું કે ત્રીજી યોજના હેઠળ સુરંગના બારકોટ છેડેથી ખોદકામનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને તે લગભગ 500 મીટરનો પટ છે અને આ કામગીરીમાં 12 થી 13 દિવસનો સમય લાગવાનો પણ અંદાજ છે.


શું છે ચોથી યોજના ?

તેમણે કહ્યું કે ચોથી યોજનામાં સુરંગની બંને બાજુ સમાંતર (હોરિઝોન્ટલ) ડ્રિલિંગ કરવામાં આવશે અને તેનો સર્વે પણ થઈ ગયો છે અને આ પ્લાન પર રવિવારે પણ કામ શરૂ થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે ડ્રિલિંગ દરમિયાન અમેરિકન ઓગર મશીન બેરિયરને અથડાયા બાદ તૂટી ગયું અને તેનો 45 મીટર 800 એમએમ પાઇપની અંદર ફસાઈ ગયો.

  • Follow us on: