• TMC નેતા મહુઆ મોઇત્રાને EDનું સમન્સ
  • 28 માર્ચે પૂછપરછ બોલાવ્યા પૂછપરછ માટે
  • દર્શન હિરાનંદાનીને પણ ઇડીનું સમન્સ

EDએ FEMA કેસમાં આજે તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાને સમન્સ પાઠવ્યું હતું. કેન્દ્રીય તપાસ એજન્સીએ આ કેસમાં મોઇત્રાને 28 માર્ચે દિલ્હીમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.આ ઉપરાંત દર્શન હીરાનંદાનીને પણ ઇડીએ સમન્સ પાઠવ્યુ છે. વિદેશી મુદ્રાના નિયમોનું ઉલ્લંઘન મામલે પૂછપરછ કરાશે.

પીટીઆઇના અધિકારીક સૂત્રોના જણાવ્યાનુસાર ઇડી આ પહેલા પણ અનેકવાર ફેમા હેઠળ મોઇત્રાને સમન્સ મોકલી ચૂકી છે.હાલમાં જ મોઇત્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેસની તપાસ કરવાની રીતને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

મહુઆ મોઇત્રાએ અરજીમાં શું માંગણી કરી?

મોઇત્રાએ અરજીમાં માગણી કરી હતી કે આ કેસ સાથે જોડાયેલી કોઈપણ ગુપ્ત અથવા વણચકાસાયેલી માહિતી મીડિયામાં પ્રસારિત થવી જોઈએ નહીં. 19 મીડિયા સંસ્થાઓના નામ લઈને, તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ કોઈપણ ચકાસ્યા વિનાની, ખોટી, બદનક્ષીપૂર્ણ સામગ્રીના પ્રસારણ અથવા પ્રકાશનને અટકાવે. જ્યારે EDએ કહ્યું હતું કે તેમણે મીડિયાને કોઈ માહિતી લીક કરી નથી. તે પ્રકાશિત સમાચાર લેખોના સ્ત્રોતોથી વાકેફ નથી.

ફેબ્રુઆરીમાં પણ સમન્સ પાઠવ્યા હતા

અગાઉ ફેબ્રુઆરીમાં EDએ હિરાનંદાની ગ્રૂપના પ્રમોટર્સ નિરજન હિરાનંદાની અને તેમના પુત્ર દર્શન હિરાનંદાનીને ફેમા કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. હિરાનંદાનીએ કહ્યું હતું કે તેમના પર 16 વર્ષ પહેલા FEMA ઉલ્લંઘનનો આરોપ લાગ્યો હતો. અત્યાર સુધી તેની 42 કે 43 વખત પૂછપરછ કરવામાં આવી છે.

કેશ ફોર ક્વેરીનો પણ ચાલી રહ્યો છે કેસ

ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા નિશિકાંત દુબેએ પણ મહુઆ મોઇત્રા વિરુદ્ધ લોકપાલમાં ફરિયાદ કરી હતી. તેમણે ટીએમસી સાંસદ પર સંસદમાં પ્રશ્નો પૂછવાના બદલામાં પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. તેણે મોઇત્રા પર આર્થિક લાભ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. લોકપાલે ટીએમસી નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

  • Follow us on: