ઈલેક્શન કમિશન દ્વારા સમય સમય પર નવા પ્રયોગ કરવામાં આવતા હોય છે, ત્યારે આ કડીમાં હવે ઈલેક્શન કમિશન દ્વારા ઈન્ડેક્સ કાર્ડ અને આંકડાકીય રિપોર્ટની પ્રક્રિયાને પણ સુવ્યવસ્થિત કરવામાં આવી રહી છે. અગાઉની સિસ્ટમમાં રિપોર્ટ બનાવવા માટે વધારે સમયનો ખર્ચ થતો હતો અને ડેટા બનાવવામાં અને તેને મોકલવામાં ઘણીવાર લાંબા વિલંબનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે આવું નહીં થાય, કારણ કે ઈલેક્શન કમિશને ચૂંટણી પૂર્ણ થયા પછી તૈયાર કરવામાં આવતા ઈન્ડેક્સ કાર્ડ અને ડેટા રિપોર્ટને સંપૂર્ણપણે ડિજિટલ બનાવી દીધા છે.
ઝડપથી લોકો સાથે આંકડાકીય માહિતી શેર કરી શકાશે
નવી સિસ્ટમ પરંપરાગત જૂની પદ્ધતિઓને બદલી રહી છે, જે રિપોર્ટિંગને ઝડપી અને વધુ સચોટ બનાવશે. આ નવી સિસ્ટમ હેઠળ ચૂંટણી સંબંધિત તમામ ડેટા હવે ઝડપથી તમામ લોકો સાથે શેર કરવામાં આવશે, જે રિપોર્ટિંગને પણ ઝડપી બનાવશે. આ ફેરફાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીના નેતૃત્વ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે.
શું છે ઈન્ડેક્સ કાર્ડ?
ઈન્ડેક્સ કાર્ડ એ બિન-વૈધાનિક આંકડાકીય અહેવાલ ફોર્મેટ છે, જે ઈલેક્શન કમિશન દ્વારા પોતાની પહેલ પર વિકસાવવામાં આવ્યું છે. તેનો હેતુ સંશોધકો, પત્રકારો, નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને સામાન્ય નાગરિકો માટે ચૂંટણી ડેટાને સરળ, સુલભ અને ઉપયોગી બનાવવાનો છે. આ કાર્ડ ઉમેદવારો, મતદારો, મતદાન આંકડા, પક્ષવાર પ્રદર્શન, લિંગ-આધારિત મતદાન વલણો અને પ્રાદેશિક તફાવતો જેવી ઘણી માહિતી રજૂ કરે છે. ઈન્ડેક્સ કાર્ડના આધારે લોકસભા ચૂંટણી માટે લગભગ 35 પ્રકારના આંકડાકીય અહેવાલો તૈયાર કરવામાં આવે છે અને વિધાનસભા ચૂંટણી માટે 14 પ્રકારના આંકડાકીય અહેવાલો તૈયાર કરવામાં આવે છે. આ માત્ર ચૂંટણી સંશોધનને પ્રોત્સાહન નહીં આપે પણ એક મજબૂત અને જાણકાર લોકશાહી ચર્ચાને નવી દિશા પણ આપશે.