નવા વર્ષ નિમિત્તે પ્રવાસીઓથી ભરચક રહેતું ગોવા આ વર્ષે સાવ નિર્જન રહ્યું છે. આ દાવો સોશિયલ મીડિયામાં એક સામાજિક કાર્યકર્તા અને ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવ્યો છે, જે કહે છે કે પીક સીઝન દરમિયાન ગોવા સામાન્ય કરતાં વધુ શાંત હોય છે.
પ્રવાસીઓથી ભરેલું ગોવા નિર્જન કેમ?
જ્યારે આખું વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં ડૂબી ગયું છે, ત્યારે ગોવાના કેટલાક એવા ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. વાયરલ તસવીરો સાથે કરવામાં આવેલા દાવા અનુસાર ગોવાના રસ્તાઓ સૂમસામ છે અને બીચ પણ ખાલી દેખાય છે. નેટીઝન્સ આશ્ચર્યચકિત છે કે ગોવા જે 31 ડિસેમ્બર અને નવા વર્ષ પર પ્રવાસીઓથી ભરેલું રહેતું હતું, તે આટલું નિર્જન કેમ છે. શું આ વખતે પ્રવાસીઓ ત્યાં ગયા નથી? એવો પ્રશ્ન સ્વાભાવિકપણે થાય.
ગોવાના નિર્જન રસ્તાઓ અને દરિયાકિનારાની તસવીરો ત્યારે વાયરલ થઈ રહી છે જ્યારે આ વર્ષની શરૂઆતમાં CICએ તેના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ગોવામાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, 2013માં 15 લાખ વિદેશી પ્રવાસીઓ ગોવામાં આવ્યા હતા, જ્યારે 2019માં આ આંકડો 85 લાખ હતો.
સરકાર માટે ચિંતાનું કારણ
સામાજિક કાર્યકર્તા અને ફિલ્મ નિર્માતા દીપિકા નારાયણ ભારદ્વાજે X પર વીડિયો શેર કર્યો અને કહ્યું, ગોવા સંપૂર્ણપણે ખાલી છે. ત્યાં માત્ર થોડા પ્રવાસીઓ છે. સરકાર માટે કોઈ ચેતવણીથી ઓછું નથી. આશા છે કે તેઓ આ દિશામાં ખાસ કરીને પરિવહન બાબતે કંઈક કરશે. ઘણા એક્સ યુઝર્સ માને છે કે ઊંચા હવાઈ ભાડાં, મોંઘી હોટેલો અને ઊંચા ટેક્સી દરો પણ ગોવામાં પ્રવાસીઓની સતત અછત પાછળનું કારણ હોઈ શકે છે. સરકારે આ દિશામાં કંઈક વિચારવું જોઈએ.
સોશિયલ મીડિયા પર પ્રવાસીઓની ભીડને લઈ પ્રતિક્રિયા
જો કે અલ્ટ્રા રનર શાજન સેમ્યુઅલ @IamShajanSamuel એ દીપિકાની માહિતીને રદિયો આપતા લોકોને કહ્યું કે ગોવા એકદમ ભરચક છે. જેના જવાબમાં દીપિકાએ 29મી ડિસેમ્બરની રાતનો એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, જે લોકો મને જુઠ્ઠો કહી રહ્યા છે તેમણે આ વીડિયો જોવો જોઈએ. ગોવાના રસ્તાઓ પર સંપૂર્ણ સૂમસામ છે જે નવા વર્ષની આસપાસ સંપૂર્ણપણે જામ થઈ જતા હતા.
પ્રવાસીઓએ નવા વર્ષની ઉજવણી માટે ગોવાને પસંદ કર્યું
જો કે પીટીઆઈનો રિપોર્ટ ગોવાની અલગ જ તસવીર રજૂ કરી રહ્યો છે. અહેવાલો અનુસાર, 2024 ના છેલ્લા સૂર્યાસ્તને જોવા માટે મોટી સંખ્યામાં લોકો મંગળવારે સાંજે ગોવા પહોંચ્યા હતા. જેના કારણે મુખ્ય દરિયાકિનારા તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક થયો. મતલબ ગોવાના દરિયાકિનારા લોકોથી સંપૂર્ણ રીતે ભરેલા હતા અને વાયરલ તસવીરો અને વીડિયોમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે તેના જેવું કંઈ નથી. ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખૌંટેએ પણ કહ્યું કે નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થઈ. તે જ સમયે પ્રવાસીઓએ નવા વર્ષની ઉજવણી માટે રાજ્યને તેમના પ્રિય સ્થળ તરીકે નામ આપ્યું હતું.













