- તોફાનના કારણે લોકોએ હોર્ડિંગ નીચે આશરો લીધો હતો
- કાળ બનીને હોર્ડિંગ ખાબકતા 5ના કમકમાટી ભર્યા મોત
- આ ઘટના મુંબઈ-પુણે હાઈવે પર બની હતી
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પિંપરી ચિંચવાડમાં મોટો અકસ્માત થયો હતો. પિંપરી ચિંચવાડ શહેરના રાવલ કિવલે વિસ્તારમાં આજે લોખંડનું હોર્ડિંગ બોર્ડ પડી ગયું હતું, જેમાં ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી.
આ ઘટના મુંબઈ-પુણે હાઈવે પર બની હતી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સોમવારે સાંજે મુંબઈ-પુણે હાઈવે પર રાવત કિવલે વિસ્તારમાં બની હતી. ત્યારબાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તોફાનના કારણે લોકોએ હોર્ડિંગ નીચે આશરો લીધો હતો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તોફાનના કારણે કેટલાક લોકોએ લોખંડના હોર્ડિંગની નીચે આશ્રય લીધો હતો, જ્યારે તે હોર્ડિંગ તેમના પર પડ્યું, જેમાં 5 લોકોના મોત થયા હતા જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
સવારે નાળિયેર તેલ લઈને જઈ રહેલા ટેન્કરને અકસ્માત નડ્યો હતો
એજ દિવસે વહેલી સવારે, મુંબઈ-બેંગલુરુ હાઈ પર ભૂમકર બ્રિજ પર નાળિયેર તેલ લઇ જઇ રહેલ ટ્રકને બ્રેક ફેઈલ થવાને કારણે અકસ્માત થયો હતો. ટેન્કર પલટી જવાને કારણે હાઇવે પર ઓઇલ ઢોળાઇ ગયું હતું જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી.
મામલાની માહિતી મળતાં જ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું, જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માત બાદ, અધિકારીઓએ ઘટના સ્થળને ખાલી કરવા અને ટ્રાફિકને સરળતાથી ચલાવવા માટે તાત્કાલિક જરૂરી પગલાં લીધા હતા.
શનિવારે બસ ખાઈમાં પડતાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા
બીજી તરફ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુણે હાઈવે પર શનિવારે બસમાં બેઠેલા 13 લોકો ખાઈમાં પડી ગયા હતા, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક આઠ વર્ષનો બાળક અને ત્રણ યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ બસમાં કુલ 42 મુસાફરો હતા. સવારે 4.15 થી 4.30 વાગ્યાની વચ્ચે તે મુસાફરોને પૂણેથી મુંબઈ લઈ જઈ રહી હતી, જ્યારે ખંડાલા ઘાટ તરીકે ઓળખાતા બોર ઘાટ પર્વતીય પાસના વિભાગમાં બસ 300 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી.