- સાત તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી
- 16 માર્ચે ચૂંટણી પંચે કરી જાહેરાત
- વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાની કરી શરૂઆત
લોકસભાની ચૂંટણીની જાહેરાતો થઇ ગઇ છે. ચૂંટણીના આ મહાપર્વમાં મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં વૃદ્ધો માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં સૌ પ્રથમવાર
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શનિવારે લોકસભા ચૂંટણીની જાહેરાત દરમિયાન જણાવ્યું કે જેમની ઉંમર 85 વર્ષથી વધારે છે અને જેઓ 40 ટકા કરતા વધારે દિવ્યાંગ છે તેવા લોકોને ઘરની બહાર વોટ આપવા નહી નીકળવુ પડે. તેઓ ઘરે બેઠા જ વોટ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે.
ઘરે બેઠા થઇ શકશે મતદાન
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, 85 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેઠા મતદાન કરી શકશે. વિકલ્પ પસંદ કરવા માટે અમે તેમના ઘરે ફોર્મ 12D મોકલીશું. જો તેઓ ઘરેથી મતદાન કરવાનું પસંદ કરશે, તો અમે તેમના નિવાસસ્થાને તેમના માટે મતદાનની વ્યવસ્થા કરાવીશું. અમે આ સુવિધા અગાઉ કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં આપી હતી. પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે તેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
કેટલા છે 85વર્ષથી વધુ વયના મતદાર ?
રાજીવ કુમારના જણાવ્યા અનુસાર દેશમાં 85 વર્ષથી વધુ ઉંમરના 85 લાખ મતદારો છે. વિકલાંગ મતદારોની સંખ્યા 88.4 લાખ છે. 100 વર્ષથી વધુ ઉંમરના મતદારોની સંખ્યા 21.18 લાખ છે. દેશના કુલ 97.8 કરોડ મતદારોમાંથી 49.72 કરોડ પુરૂષ અને 47.1 કરોડ મહિલા મતદારો છે.