• JMMથી દૂરી બનાવી ચંપઇ સોરેને
  • ટ્વિટ કરીને આગામી રણનીતિ અંગે આપ્યા 3 સંકેત
  • બીજેપીમાં જોડાવાની અટકળો થઇ તેજ 

ઝારખંડના પૂર્વ સીએમ ચંપઇ સોરેન ભાજપમાં જોડાશે કે કેમ તેની ચર્ચાઓ ગઇકાલથી તેજ બની છે. કારણ કે તેઓ કેટલાક ધારસભ્યોને લઇને દિલ્હી આવ્યા હતા. એવુ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાશે. પરંતુ આ અંગે તેમણે નિવેદન આપ્યું હતું કે અંગત કામથી દિલ્હી આવ્યા છે. પરંતુ મોડી સાંજે તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી જે પરથી એ વાત તો સ્પષ્ટ થઇ ગઇ કે JMM સાથેની સફર વિરામ પર આવી ગઇ છે.

આ ત્રણ સંકેતો આપ્યા

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેનએ પોસ્ટમાં હેમંત સોરેનના જેલમાંથી બહાર આવવા, વિધાયક દળની બેઠક અને તેમના રાજીનામાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારે હૈયે તેમણે ધારાસભ્ય દળની આ જ બેઠકમાં કહ્યું હતું કે આજથી મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ત્રણ વિકલ્પોના સંકેત આપતા ચંપઈ સોરેને જણાવ્યું હતું કે પહેલો વિકલ્પ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો હતો, બીજો વિકલ્પ પોતાની અલગ સંસ્થા સ્થાપવાનો હતો અને ત્રીજો વિકલ્પ હતો કે કોઈ સાથી મળે તો તેની સાથે આગળની મુસાફરી કરવી.


તો શું ભાજપમાં જોડાશે ?

ચંપઈ સોરેન દ્વારા ઉલ્લેખિત ત્રણ વિકલ્પોમાં રાજકારણમાંથી નિવૃત્તિ તેમજ નવો પક્ષ બનાવવો અથવા અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો સમાવેશ થાય છે. ત્યારે શું તેઓ ભાજપમાં જોડાશે ? પૂર્વ સીએમએ બીજી પોસ્ટ કરી છે જેમાં તેમણે ઈશારા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની પાર્ટી બનાવવાના નથી. ચંપઈએ પોતાની બીજી પોસ્ટમાં લખ્યું છે કે આ મારો અંગત સંઘર્ષ છે, આથી પક્ષના કોઈ સભ્યને તેમાં સામેલ કરવાનો કે સંગઠનને કોઈ નુકસાન પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી. ત્યારે અહીં એ વાત પણ માનવી રહી કે જો તેમણે નવો પક્ષ બનાવવાનો વિકલ્પ અપનાવવાનું નક્કી કર્યું હોત તો તેમને વધુ નેતાઓની જરૂર હોત.

ભાજપમાં જ કેમ ?

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ચંપાઈ સોરેન કદાચ અન્ય પક્ષમાં જોડાવાનું પસંદ કરી શકે છે. એવી અટકળો ચાલી રહી છે કે ચંપાળ ભાજપમાં જોડાઈ શકે છે. તેની પાછળનું એક કારણ રાજકીય ગણિત પણ છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નજીક છે. ઝારખંડની આદિવાસીઓની ભૂમિમાં 28 વિધાનસભા બેઠકો અને પાંચ લોકસભા બેઠકો છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં ભાજપ આ વિસ્તારમાંથી એક પણ બેઠક જીતી શક્યું નથી. જ્યારે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 28માંથી માત્ર બે બેઠકો પર કમળ ખીલ્યું હતું. લોકસભા ચૂંટણીમાં જેએમએમ અને તેના સાથી પક્ષો હેમંત સોરેનની ધરપકડને મુદ્દો બનાવવા અને તેને આદિવાસી ઓળખ સાથે જોડવામાં સફળ રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજ માટે ઘણી યોજનાઓ ભેટમાં આપી હતી તે ખીંટીમાંથી કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા પણ પોતાની બેઠક બચાવી શક્યા નથી.

ભાજપના નેતાઓ ચંપઈ સોરેનને જેએમએમનું આદિવાસી ઓળખ કાર્ડ કાપવા માટે વધુ સારા વિકલ્પ તરીકે જુએ છે. ચંપઈ સોરેનની ગણતરી જેએમએમ પ્રમુખ શિબુ સોરેનના નજીકના મિત્રોમાં થાય છે અને તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ પણ લખ્યું છે - આ પાર્ટીમાં મારી ગણતરી સિનિયર સભ્યોમાં થાય છે, બાકીના જુનિયર છે. મારાથી વરિષ્ઠ એવા સુપ્રીમો હવે સ્વાસ્થ્યને કારણે રાજકારણમાં સક્રિય નથી. તો પછી મારી પાસે કયો વિકલ્પ રહેતો ? ત્યારે હાલની સ્થિતિમાં ભાજપને આદિવાસીઓની જમીનનુ વિકૃત ગણિત સુધારવા એક મજબૂત આદિવાસી ચહેરાની જરૂર છે તો સામે ચંપઇ સોરેનને પણ મજબૂત વિકલ્પની જરૂર છે.


  • Follow us on: