- 1,30,000 સુરક્ષાકર્મી અને એન્ટિ ડ્રોન સિસ્ટમ થશે તૈનાત
- તમામ જવાન ગણવેશમાં નહીં પણ સૂટ બૂટમાં હશે
- કારકેડ સુરક્ષા માટે 100થી વધુ બુલેટપ્રુફ વાહનોનો કાફલો
દિલ્હી ખાતે 9-10 સપ્ટેમ્બરમાં યોજાઇ રહેલા જી-20 શિખર સંમેલનમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ભાગ લેવા આવી રહ્યા છે. ભારત સમિટનું યજમાનપદ સંભાળી રહ્યું છે. વિશ્વ મંચ પર દેશ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીનું પ્રદર્શન છે. સમિટમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેનથી માંડીને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને સાઉદી અરબના મોહમ્મદ બિન સલમાન સહિત વિશ્વના ટોચના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. સંમેલનમાં જાપાન, ઓસ્ટ્રેલિયા,ફ્રાન્સ અને જર્મનીના નેતા ઉપસ્થિત રહે તેવી આશા પણ સેવાઇ રહી છે.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું પ્રતિનિધીત્વ વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવ કરે તેવી સંભાવના છે. બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર, આઇએમએફ,વિશ્વલ બેન્ક,વિશ્વ વેપાર સંગઠન અને વિશ્વ આરોગ્ય સંગઠનના વડા પણ હાજર રહેશે. દિલ્હીના પ્રગતિનગર ખાતે યોજાનારા આ ઐતિહાસિક કાર્યક્રમ માટે સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી પોલીસના વિશેષ કમિશ્નર દિપેન્દ્ર પાઠકના જણાવ્યા મુજબ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળ, હોમગાર્ડ અને અન્ય સરકારી સુરક્ષા એજન્સીઓના 1,30,000 સુરક્ષાકર્મી અને એન્ટિ ડ્રોન સિસ્ટમ તૈનાત થવાના છે. મુખ્ય આયોજન સ્થળની સુરક્ષાનું નેતૃત્વ દિલ્હીના વિશેષ પોલીસ કમિશ્નર રણવીરસિંહ કૃષ્ણિયા અને તેમની ટીમ કરશે. કાર્યક્રમ સ્થાને સુરક્ષા નિયંત્રણ કક્ષો તૈયાર થઇ રહ્યા છે.
સીઆરપીએફના જવાનો 14 દેશોના પ્રમુખની કારકેડની સુરક્ષા કરશે
સમિટમાં 19 દેશોના વડા અને સરકારના વડા ભાગ લેવા આવવાના છે. કારકેડ વખતેતે પૈકી 14 દેશોના પ્રમુખ અને વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફના જવાનો કરશે. ગ્રેટર નોઇડા ખાતે આવેલા સીઆરપીએફના વીઆઇપી સિક્યુરિટી સેન્ટર ખાતે સૂટબૂટ ધારણ કરીને નેતાઓની સુરક્ષાની જવાબદારી સંભાળનારા 950 જવાનોનો દસ્તો તૈયાર છે. તેઓ ગણવેશમાંમ નહીં પરંતુ સૂટ બૂટ ધારણ કરીને સુરક્ષા સંભાળશે. હાલમાં 50 ટ્રેનર તેમને તાલીમ આપી રહ્યા છે. રક્ષકો અને ડ્રાઇવર્સની 48 ટીમ તૈયાર કરવામાં આવી છે. 100થી વધુ બુલેટપ્રુફ વાહનો તૈયાર કરવામાં આવ્યા છે. વીઆઇપીને 360 ડિગ્રી સુરક્ષા પ્રદાન કઇ રીતે કરવી તેની તાલીમ અપાઇ રહી છે. ડ્રાઇવર્સ લેફ્ટ હેન્ડ વાળી કાર ચલાવી શકે તે માટે પણ તેમને તાલીમ અપાઇ રહી છે. સુરક્ષાના તમામ પ્રોટોકોલથી તેમને વાકેફ કરવામાં આવી રહ્યા છે. સ્પેર વાહનો પણ રાખવામાં આવ્યા છે. ભૂતકાળમાં એસપીજી અને એનએસજી જેવા એકમમાં સામેલ હોય અને વીઆઇપી સુરક્ષા સંભાળી ચુક્યા હોય તેવા ચુનંદા સીઆરપીએફ જવાનોની પસંદગી કરવામાં આવી છે.
દિલ્હી ત્રણ દિવસ આંશિકપણે બંધ રહેશે
બે કરોડની વસતી ધરાવતા દિલ્હીને શિખર સંમેલન દરમિયાન આંશિકરૂપે બંધ રાખવાની યોજના ઘડી છે. શાળા, સરકારી વિભાગો અને વ્યવસાયો ત્રણ દિવસ બંધ રાખવા કહેવામાં આવ્યું છે.
વાયુસેના સંભાળશે એર ડિફેન્સ
સમિટના સમય દરમિયાન ભારતીય વાયુસેના દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઇન્ટેગ્રેટેડ એરોસ્પેસ ડિફેન્સ માટે વ્યાપક વ્યવસ્થા કરશે. વાયુસેના સહિત ભારતીય સેના, દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત રહેશે. કોઇપણ પ્રકારના હવાઇ હુમલાને રોકવા માટે એન્ટિ ડ્રોન સિસ્ટમ સક્રીય રહેશે. 400 જેટલા ફાયર ફાઇટર પણ સાબદા રહેશે.