યુપીના ગાઝીપુરમાં ભયંકર માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે 6 કરતા વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે પર લોહી લોહી જ જોવા મળી રહ્યુ હતું. ક્યાંક મૃતદેહ પડેલા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મહાકુંભથી આવી રહેલી ગાડીને ટ્રકે ટક્કર મારતા અકસ્માત થયો.પ્રાપ્ત માહિતી અનુસાર આ માર્ગ અકસ્માત ગાઝીપુરના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુસ્મી કાલા પાસે થયો હતો. માર્ગ અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક લોકો અને પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અકસ્માત પછીનું દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું.


ટ્રક લોકો પર ચઢી ગયો..

રસ્તા પર મૃતદેહો વિખરાયેલા હતા. પરિવારના સભ્યો ચીસો પાડી રહ્યા હતા. મોટાભાગના મૃતદેહો વિકૃત હાલતમાં હતા. મૃતદેહોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહોને સંબંધીઓને સોંપવામાં આવશે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે વારાણસી-ગાજીપુર-ગોરખપુર ફોરલેન પર કુંભથી પરત ફરી રહેલ પીકઅપ વાન આખુ કચડાઇ ગયુ હતું. તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા. ત્યારે પાછળથી ફુલ સ્પીડમાં આવી રહેલો ટ્રક આ લોકો પર ચઢી ગયો. જેમાં 6 લોકોના મોત થયા.

ટ્રક ડ્રાઇવરની શોધખોળ તેજ

કહેવામાં આવી રહ્યું છે કે પિકઅપમાં કુલ 20 લોકો સવાર હતા. જેમાંથી અત્યાર સુધીમાં 6 લોકોના મોત નોંધાયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બધા ઘાયલો અને મૃતકોને ગાઝીપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. ડીએમ સાથે અન્ય પોલીસ અને વહીવટી અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આરોપી ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. તેની તપાસ ચાલુ છે.


  • Follow us on: