- 20 ઑક્ટોબરે પીએમ મોદી જશે ગાઝિયાબાદ
- રેપિડએક્સ ટ્રેનનું કરશે ઉદ્ઘાટન
- પીએમ મોદીના આગમનને લઇને તૈયારીઓ શરૂ
દેશને પહેલી રેપિડએક્સ ટ્રેન મળવા જઇ રહી છે. પીએમ મોદીના હસ્તે આ ટ્રેનનું ઉદ્ઘાટન થવાનું છે જે માટે પીએમ 20 ઓક્ટોબરે ગાઝિયાબાદ જવાના છે. ત્યારે સુરક્ષાને લઇને તમામ બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન સ્હેજ પણ સુરક્ષામાં ચૂક ન થાય તે માટે જળ, જમીન અને આકાશ એમ તમામ જગ્યાએ ચુસ્ત પહેરો ખડકી દેવાશે. કાર્યક્રમ સ્થળ તો ખરા જ આ ઉપરાંત રૂફ ટોપ પર પણ જવાનો તૈના ત હશે. આટલુ જ નહી હરનંદી નદીમાં પણ ડ્રોન સાથે જવાનોને ઉતારવામાં આવશે.
સભા સ્થળ ખાતે તૈયારીઓ
હાલમાં કાર્યક્રમ સ્થળ ખાતે સભા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જર્મન હેંગરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી ગાઝિયાબાદ આવે તેવા ત્રણ સંભવિત રૂટ છે. સાહિબાબાદ સ્ટેશનથી તેઓ દુહાઇ ડિપો રેપિડેક્સથી જશે. આ દરમિયાન આ વિસ્તારમાં કાર્યક્રમ સ્થળ પર આવવા જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ઉપરાંત સભા સ્થળ પર સીસીટીવી હશે. કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે. તે સ્થળને નો ફ્લાઇંગ ઝોન પણ જાહેર કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન એનએસજીનું એન્ટી ડ્રોન યુનિટ એ સુનિશ્ચિત કરશે કે તેની ઉપર અને આસપાસના વિસ્તારમાં કોઈ ડ્રોન ઉડી ન શકે. રેપિડએક્સના 17 કિમીના રૂટ પર રોડ અને રૂફટોપ ડ્યુટીની સાથે સૈનિકોને પણ રસ્તામાં આવતી હરનંદી નદીમાં પેટ્રોલિંગ માટે બોટ સાથે તૈનાત કરવામાં આવશે. આ સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.
દરેકના વાહનો પર પાસ હશે
વડાપ્રધાનના કાર્યક્રમમાં આવનાર તમામના વાહનો પર પાસ લગાડવામાં આવશે. માત્ર પીએમ અને સીએમ યોગી આદિત્યનાથના કાફલાને જ પાસ સિસ્ટમ નહી લાગુ પડે. આ સિવાય તમામ મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ, ભાજપના સંગઠનના અધિકારીઓ, પોલીસ અને વહીવટી અધિકારીઓ, પોલીસકર્મીઓ, મીડિયા અને સામાન્ય લોકો પાસે અલગ-અલગ રંગના વાહન પાસ આપવામાં આવશે. પાર્કિંગ માટે 12 જગ્યાઓ ફાળવવામાં આવી છે જેમાં 2700 વાહનો પાર્ક કરી શકાશે.
પાંચ હજાર જવાનો તૈનાત
પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન રૂટ પર પાંચ હજાર સુરક્ષા જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત એટીએસ, એસટીએફ અને આઈબી અધિકારીઓની સાથે 10 સ્નિફર ડોગ સ્ક્વોડ, એન્ટી માઈન્સ, એન્ટી સેબોટેજ, જામર પણ હાજર રહેશે. એસપીજી સોમવાર અથવા મંગળવારે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા આવી શકે છે.