આપણે બસ, ટ્રેન કે પછી કારમાં મુસાફરી કરીએ છીએ. જ્યારે આપણે બહાર જઇ રહ્યા હોઇએ ત્યારે જો આપણીસાથે કોઇ કિમતી સામાન હોય તો તેને જાહેર ટ્રાન્સપોર્ટેશન દ્વારા લઇ જતી વખતે ખૂબ ધ્યાન રાખવુ પડે છે નહી તો લૂંટ થવાની શક્યતા રહે છે. ત્યારે આવી જ ઘટના બની છે ગુજરાતના વેપારી સાથે યુપીમાં.
ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કોખરાજમાં એક હોટલ પાસે બસ રોકાઈ હતી. જેમાં ગુજરાતનો એક જીરુંનો વેપારી પ્રયાગરાજથી દિલ્હી જઈ રહ્યો હતો અને તે બસમાં 20 લાખ રૂપિયા બેગમાં લઈને જઈ રહ્યો હતો. આ બાબતની જાણ થતા જ એક શખ્સ આ પૈસા ભરેલી બેગ લઇને ભાગ્યો. જો કે તે દરમિયાન જ બેગમાંથી પૈસા પડી જતા લોકોએ પૈસા લૂંટવા દોડધામ મચાવી હતી.
સહયાત્રીએ કરી લૂંટ
કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. આ લૂંટની ઘટના ગુજરાતના ભાવેશ નામના મુસાફર સાથે બની હતી, જે જયસ્વાલ હોટલ પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાં બેઠો હતો. ગુનેગાર ભાગી રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તેની બેગમાંથી નોટોના કેટલાક બંડલ પડી ગયા અને તે નોટના બંડલ લૂંટવાની દોડધામ શરૂ થઈ ગઈ.
ગુજરાતનો રહેવાસી ભાવેશ જીરાનો વેપારી છે. તે એક ઉદ્યોગપતિને મળવા પ્રયાગરાજ આવ્યો હતો. પાછા ફરતી વખતે તેની પાસે પૈસા ભરેલી થેલી હતી. તે બસમાં બેઠો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બસ પ્રયાગરાજથી રવાના થઈ ત્યારે તે કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જયસ્વાલ ઢાબા પર ઉભી રહી.
રોડ પર બેગ ખૂલતા નોટો માટે પડાપડી
કેટલાક મુસાફરો ઢાબા પર નાસ્તો અને પાણી લેવા માટે નીચે ઉતર્યા. પણ ભાવેશ બસમાં બેગ લઈને બેઠો રહ્યો. ભાવેશની પાછળ બેઠેલા મુસાફરે અચાનક બેગ આંચકી લીધી અને ભાગવા લાગ્યો. ભાવેશ બૂમો પાડવા લાગ્યો, જ્યાં સુધી તે બદમાશ બેગ છીનવીને ભાગી ગયો. ચીસો સાંભળીને બધા મુસાફરો બદમાશની પાછળ દોડવા લાગ્યા. આ દરમિયાન લૂંટારુનું બાઇક સ્લિપ થઇ ગયુ અને 500 રૂપિયાની નોટો બેગમાંથી બહાર નીકળી ગઇ. રસ્તા પર કરન્સી નોટ ઉડવા લાગી અને લોકો તેન લેવા માટે ભેગા થઇ ગયા.
પોલીસ તપાસ તેજ
આ અંગે વેપારીનું કહેવુ છે કે તેની પાસે 20 લાખ રૂપિયા હતા પરંતુ હવે ચોરી થતા માત્ર 5 લાખ જ બચ્યા છે. જો કે સમગ્ર ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.