અમદાવાદ શહેરમાં રહેતા સિનિયર સિટીઝનની સુરક્ષા માટે પોલીસ નિત નવા ગતકડા કરી રહી છે. પરંતુ જ્યારે કોઈ ગંભીર બનાવ બને છે. ત્યારે તેની પોલ ખુલી જાય છે અને આવો જ એક બનાવ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બન્યો છે. જેમાં દંપતીને ઘરમાં બંધક બનાવી લુંટ ચલાવી છે. જે અંગે પોલીસે ગુનો નોંધી 3 લુંટારુની શોધખોળ હાથ ધરી છે.
દાગીનાની લૂંટ ચલાવી લૂંટારૂઓ થયા ફરાર
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા નિરાંત પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતી મધુભાઈ પટેલ અને વીણાબેન પટેલને બંધક બનાવી ત્રણ લૂંટારોએ લૂંટને અંજામ આપ્યો છે. 14 તારીખની વહેલી સવારે ત્રણ લૂંટારો ઘરના ધાબાના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ વૃદ્ધ દંપતીને બંધક બનાવી 1,31,000ની રોકડ રકમ તથા દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા છે. જ્યાં અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરી લૂંટારુઓની શોધખોળ શરૂ કરી છે. દંપતીને બંધક બનાવી લૂંટ કરવાના મામલે પોલીસે તપાસ શરૂ કરતાં હકીકત સામે આવી કે લૂંટારુઓ 3 નહીં પરંતુ 4 હતા.
લૂંટારૂઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હતા
જેમાંથી એક ઘરની બહાર રેકી કરતો હતો. અન્ય ત્રણ લૂંટારુઓ ઘરમાં આવી દંપતીને છરીના ઈશારે બંદક બનાવી લૂંટને અંજામ આપી ફરાર થયા છે. પોલીસની તપાસમાં એ હકીકત પણ સામે આવી કે લૂંટારૂઓ ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હતા અને છરી બતાવીને રૂપિયા લૂંટી ફરાર થયા છે. 25 વર્ષની ઉંમરના આ ત્રણ લૂંટારુઓને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે. લૂંટના ગુનાની તપાસ કરતાં પોલીસે સીસીટીવીના આધારે હકીકત સામે આવી કે લૂંટને અંજામ આપી આરોપીઓ આરટીઓ સર્કલ સુધી ચાલતા જતા દેખાય છે. એટલે કે વસ્ત્રાપુરથી અંદાજિત 8થી 10 કિલોમીટર સુધી આરોપીઓ ચાલીને જઈ રહ્યા છે. જોકે કોઈ પોલીસ કે વાહન ચેકિંગ તેમને રોકી પુછપરછ પણ કરતી નથી. જે વાત શહેર પોલીસની સુરક્ષા છતી કરે છે.