જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર હેઠળ મિસાઈલ એટેક કરીને આતંકી છાવણીઓને ધ્વસ્ત કરી નાંખી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન પાકિસ્તાને ભારતના શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતાં. જેમાં તુર્કિયે અને અજરબૈઝાને પાકિસ્તાનને મદદ કરતાં આ બંને દેશોને બોયકોટ કરવા એક હેશ ટેગ ટ્રેન્ડ થયો હતો. આ હુમલા બાદ ટ્રાવેલ્સ એજન્સીઓએ બંને દેશોના ટુર બુકિંગ બંધ કર્યા હતાં. જેથી લોકોએ પણ ડેસ્ટિનેશન બદલ્યું હોવાનું જાણવા મળ્યું છે.


ભારત સાથે નથી તેવા દેશોમાં ન જવુ જોઈએ

પાકિસ્તાનને મદદ કરતાના તુર્કિયે અને અજરબૈઝાન જેવા દેશની ટુર ઓર્ગેનાઈઝ કરતી ટ્રાવેલ્સ એજન્સીઓએ બુકિંગ કર્યા છે. બીજી તરફ બંને દેશો વચ્ચે સર્જાયેલા તણાવ બાદ લોકોએ જાતે જ ટુરિંગ ડેસ્ટિનેશન બદલ્યાં છે. પ્રવાસીઓએ અરૂણાચલ અને ઈટાનગર સહિતના સ્થળો પર જવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ભારતના પ્રવાસન સ્થળોને પણ પ્રવાસીઓ વધુ પસંદ કરી રહ્યાં છે. ટ્રાવેલ્સ એસોસિએશને કહ્યું હતું કે, ભારત સાથે નથી તેવા દેશોમાં ન જવુ જોઈએ.

પ્રવાસીઓએ ડેસ્ટિનેશન બદલી નાંખ્યું

ઉનાળાની સિઝનમાં ગુજરાતમાંથી જમ્મુ, શ્રીનગર અને કાશ્મીર જવા માટે સવા લાખથી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યા હતાં. તણાવની સ્થિતિ બાદ પ્રવાસીઓએ ડેસ્ટિનેશન બદલી નાંખ્યું છે. રાજ્યના ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકો પણ લોકોને ભારતમાં ફરવા માટે નવા સ્થળોની માહિતી આપી રહ્યાં છે. તુર્કિયે અને અજરબૈઝાને પાકિસ્તાનને મદદ કરતાં અનેક લોકોએ આ દેશને બોયકોટ કર્યો છે. ત્યાંથી આવતી ચીજ વસ્તુઓને પણ બોયકોટ કરવામાં આવી છે.


  • Follow us on: