ઉત્તરાખંડના ક્ષેત્રોમાં ભારે બરફવર્ષના કારણે રોડ-રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ચમોલી જિલ્લાના બદ્રીનાથના સરહદી ગામ માના નજીક હિમપ્રપાતને કારણે કેટલાક કામદારો ફસાયા હતા. જેમાંથી 46 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે 9 કામદારો હજુ પણ દટાયેલા છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે બદ્રીનાથ ધામથી છ કિલોમીટર આગળ બનેલી હિમપ્રપાતની ઘટનામાં 57 કામદારો ફસાયા હતા, પરંતુ હવે સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું છે કે બે કામદારો રજા પર હોવાથી, ઘટનાસ્થળે 55 કામદારો હાજર હતા.
પહાડી વિસ્તારોમાં હિમવર્ષા
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. તે જ સમયે, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મસૂરીમાં વાદળછાયું વાતાવરણ છે. દરમિયાન, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચમોલીમાં હિમપ્રપાતને કારણે 55 કામદારો ફસાયા હતા. આમાંથી 46 લોકોને બચાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ મોડી રાત્રે રાજ્ય આપત્તિ સંચાલન કેન્દ્ર પહોંચ્યા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. તેમણે શનિવાર સવારથી બચાવ કામગીરીમાં વાયુસેનાના હેલિકોપ્ટર તેમજ રાજ્ય સરકારી એજન્સી UCADA અને ખાનગી કંપનીઓના હેલિકોપ્ટરને સામેલ કરવાનો નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રીએ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન પર વાત કરી અને ચમોલી જિલ્લાના માનામાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા બચાવ કાર્ય વિશે માહિતી લીધી. તેમણે રાજ્યમાં વરસાદ અને હિમવર્ષાની પરિસ્થિતિ વિશે પણ માહિતી મેળવી. આ દરમિયાન, પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ પૂરી પાડશે.
આ વિસ્તારોમાં વરસાદની ચેતવણી
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં વરસાદની સંભાવના છે. 2 માર્ચે હવામાન સ્વચ્છ રહેશે. જોકે, ૩ માર્ચે ફરીથી વરસાદની આગાહી કરવામાં આવી છે. અલ્મોડા, બદ્રીનાથ, ભીમતાલ, ચમોલી, ચંપાવત, ધારચુલા, ગોપેશ્વર, હરિદ્વાર, હલ્દવાની, નૈનિતાલ, મસૂરી અને મુક્તેશ્વરમાં વાદળો છવાયેલા રહેવાની શક્યતા છે. જોકે, ભવિષ્યમાં આ વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે.
218 રસ્તા બંધ કરવામાં આવ્યા
હિમાચલ પ્રદેશમાં શુક્રવારે બરફવર્ષા અને વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. આ પછી, મુખ્ય રસ્તાઓ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થઈ ગયા, જેના કારણે ઘણા વિસ્તારો પ્રભાવિત થયા. સતત ત્રીજા દિવસે પણ હિમવર્ષા અને વરસાદને કારણે હાઇવે બંધ થઈ ગયા છે. રાજ્યભરમાં 218 રસ્તાઓ અને ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ છે, જેના કારણે કુલ્લુ, લાહૌલ-સ્પિતિ, કિન્નૌર, ચંબા અને શિમલા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ચંબા અને મનાલીમાં બધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવામાં આવી હતી.