અભિનેત્રી રાન્યા રાવની બેંગલુરુ એરપોર્ટ પર 14.2 કિલો સોનાની લગડીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે તો ઝડપાયેલ લગડીની અંદાજિત કિંમત 12.56 કરોડ રૂપિયા છે. આ સોનું દુબઈથી લાવવામાં આવ્યું હતું.રાન્યા આઈપીએસ ઓફિસર રામચંદ્ર રાવની સાવકી દીકરી છે. આ કેસમાં તેના ઘરેથી સોનાના દાગીના અને રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.
કન્નડ અભિનેત્રી રાન્યા રાવ વિવાદોમાં ઘેરાયેલી છે
અભિનેત્રી પાસેથી બેંગલુરુ એરપોર્ટ પરથી 14.2 કિલો સોનાનું જેની અંદાજિત કિંમત 12.56 કરોડ રૂપિયા છે જે ડીઆરઆઈ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યુ છે. રાન્યા રાવ વરિષ્ઠ ભારતીય પોલીસ સેવાના અધિકારી રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રામચંદ્ર રાવ હાલમાં કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ ધરાવે છે.
વિદેશી સોનાના બાર જપ્ત
રાન્યા પાસેથી કુલ રૂ. 17.29 કરોડની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, જેમાં રૂ. 4.73 કરોડની અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 14.2 કિલો સોનાનું આ કન્સાઈનમેન્ટ તાજેતરના સમયમાં બેંગલુરુ એરપોર્ટ પર સૌથી મોટી જપ્તીમાંનું એક છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડીઆરઆઈએ બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફર પાસેથી 12.56 કરોડ રૂપિયાના વિદેશી સોનાના બાર જપ્ત કર્યા છે.બાતમીના આધારે ડીઆરઆઈ અધિકારીઓએ 33 વર્ષીય ભારતીય મહિલા પેસેન્જરને અટકાવી હતી જે 3 માર્ચના રોજ અમીરાત એરલાઈન્સની ફ્લાઈટમાં દુબઈથી બેંગલુરુ આવી હતી. તપાસ કરતાં તેની પાસે 14.2 કિલો વજનની સોનાની લગડીઓ મળી આવી હતી, જે છુપાવીને રાખવામાં આવી હતી.
એક નહી પણ અનેકવાર દુબઈ ગઈ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ કાર્યવાહી બાદ, DRI અધિકારીઓએ તેના (કન્નડ અભિનેત્રી)ના લવેલ રોડ, બેંગલુરુ ખાતેના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી, જ્યાં તે તેના પતિ સાથે રહે છે. સર્ચ દરમિયાન 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.કેટલાક અહેવાલો કહે છે કે રાન્યા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી, ત્યારબાદ અધિકારીઓએ તેના પરત ફર્યા બાદ ઓપરેશન શરૂ કરવું પડ્યું હતું. આ સિવાય તે જ્યારે પણ દુબઈની ટ્રિપ પર જતી ત્યારે દરેક વખતે તે એક જ કપડા પહેરેલી જોવા મળતી હતી.
દરેક ટ્રીપમાં 12-13 લાખ રૂપિયાની કમાણી કરતી હતી !
રાન્યા ગયા વર્ષમાં 30 વખત દુબઈ ગઈ હતી. તે દરેક સફરમાં કેટલાંક કિલો સોનું લાવતી હતી. એક અહેવાલ મુજબ, દાણચોરીના સોના માટે રાવને પ્રતિ કિલોગ્રામ રૂ. 1 લાખ ચૂકવવામાં આવ્યા હતા. તેણે દરેક ટ્રીપ પર લગભગ 12-13 લાખ રૂપિયાની કમાણી કરી હતી. રાવે તેમની મુસાફરી દરમિયાન દર વખતે જેકેટ અને બેલ્ટનો ઉપયોગ કર્યો હતો.













