તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોટી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ચારમિનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગતા 17 લોકોના બળી જવાથી મોત થયા છે. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


આગ લાગવાનું કારણ અકબંધ 

એવી શંકા છે કે આગ બિલ્ડિંગમાં લગાવેલા એસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હશે. હાલમાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવા પહોંચી હતી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે 10 એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે, આટલા પ્રયત્નો છતાં આગમાં ફસાયેલા ઘણા લોકોને બચાવી શકાયા નહી.

14 લોકોને બચાવી લેવાયા

ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર ચાર પરિવારોના ડઝનબંધ લોકો હજુ પણ આ ઇમારતમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ ઇમારતમાં 30 થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.

પોલીસના જણાવ્યા મુજબ આગ કેમ લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. ગરમી વધારે છે પરિણામે તમામ ઘરોમાં એસી ચાલી રહ્યા હતા. એટલે કારણ એ પણ હોઇ શકે કે વાયરિંગમાં શોટ સર્કિટ થયુ હોય. જોત જોતામાં તો આગએ વિકરાળ રૂપ ધારણ કર્યુ, સ્થાનિક લોકો મુજબ આગ એટલી ભયંકર હતી કે લોકોને બહાર નીકળવાની પણ તક ન મળી 

  • Follow us on: