રવિવારે (18 મે) સવારે હૈદરાબાદમાં ચારમિનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને વરિષ્ઠ અધિકારીઓને ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો.
પીએમ મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, તેલંગાણાના હૈદરાબાદમાં આગની ઘટનામાં લોકોના મોતથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું. ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની હું પ્રાર્થના કરું છું. દરેક મૃતકના પરિવારના સભ્યોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે ઘણા લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને તેમને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'પોલીસે માહિતી આપી છે કે આગની ઘટનામાં આઠ લોકોના મોત થયા છે, પરંતુ આ વાતની પુષ્ટિ ફક્ત સંબંધિત અધિકારીઓ દ્વારા જ કરવામાં આવશે.' તેમણે કહ્યું કે મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.
AIMIM ધારાસભ્યએ શું કહ્યું?
ઘટનાસ્થળે હાજર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના ધારાસભ્યએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો અનુસાર, લગભગ 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી એક સત્તાવાર પ્રકાશન અનુસાર, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.