તિરુપતિ વેંકટેશ્વર મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીની ભેળસેળના આરોપો બાદ રાજકારણ ગરમાયું છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. ઘી સપ્લાય કરતી કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, મંત્રાલયને 4 કંપનીઓના સેમ્પલ મળ્યા હતા. જેમાંથી એક કંપનીના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા હતા. જેના કારણે ભેળસેળનો મામલો સામે આવ્યો હતો.
TTD ના પૂર્વ અધ્યક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
તિરુપતિ મંદિરના લાડુમાં ચરબી મળી હોવાના દાવા બાદ આ મામલો વધુ વેગ પકડી રહ્યો છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના પૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે મામલાની તપાસ માટે ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર સમિતિની રચના કરવાની માંગ કરી છે. જેથી લાડુ બનાવવા માટે ઘીમાં હલટી સામગ્રી અને પશુ ચરબીના આરોપોની તપાસ થઈ શકે.
આ મામલાની તપાસ માટે SITની રચના કરાઈ
આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડુ સરકારે પણ આ મામલાની તપાસ માટે SITની રચના કરી છે. જેથી કરીને આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના લાડુમાં ભેળસેળ જેવી બાબતો ફરી સામે ન આવે. નાયડુનું કહેવું છે કે, SIT ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ સોંપશે. જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો
તિરુપતિ લાડુ વિવાદને લઈ સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી એકબીજા પર આરોપો કરી રહ્યા છે. જે બાદ હવે YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ પણ PM મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેણે નાયડુ પર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ની પવિત્રતાને કલંકિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. જગન મોહન રેડ્ડીએ પીએમ મોદીને દેશ સમક્ષ સત્ય જાહેર કરવાની અપીલ પણ કરી છે.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ રેડ્ડી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. લેબ રિપોર્ટના આધારે તેણે દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરમાં ઉપલબ્ધ પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. દેશભરના સંતો-મહંતો આ અંગે તપાસની માંગ કરી રહ્યા છે. લખનૌના મનકામેશ્વર મંદિરે પણ બહારના પ્રસાદ પર પ્રતિબંધ મૂક્યો છે.