- સુપ્રિયા શ્રીનેતની કંગના રનૌત પર ટિપ્પણી
- દિલ્હીના એલજીએ પોલીસ કમિશનર પાસે માગ્યો રિપોર્ટ
- બાંસુરી સ્વરાજે ગર્વનરને ફરિયાદ કરી હતી
કંગના રનૌત વિશે કરવામાં આવેલી વાંધાજનક પોસ્ટને કારણે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હી પોલીસ કમિશનર પાસેથી આ પોસ્ટ અંગે વિગતવાર તપાસ રિપોર્ટ માંગ્યો છે.
બાંસુરી સ્વરાજે તપાસની કરી છે માંગ
દિલ્હીના એલ.જી વીકે સક્સેનાએ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેત દ્વારા કંગના રનૌત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક પોસ્ટ અંગે દિલ્હી પોલીસ કમિશનર પાસેથી વિગતવાર તપાસ રિપોર્ટ માંગ્યો છે. બીજેપી નેતા બાંસુરી સ્વરાજે એલ.જીને લેખિત ફરિયાદ કરીને મહિલાની ગરિમાનું અપમાન કરવા બદલ શ્રીનતે વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની અને તપાસ કરવાની માંગ કરી હતી.
દિલ્હી પોલીસ કરશે તપાસ
એલજીએ પોલીસ કમિશનરને ફરિયાદ મોકલી છે અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ મામલાની તપાસ કરવા અને જરૂર જણાય તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી પોલીસ એ પણ તપાસ કરશે કે આ પોસ્ટ ખરેખર કોણે કરી હતી અને આ હેતુ માટે કોના મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
રવિવારે બીજેપીએ મંડી લોકસભા સીટ પરથી કંગના રનૌતને ઉમેદવાર જાહેર કરી હતી. આ પછી કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે કંગનાના વાંધાજનક ફોટા પોસ્ટ કરતા અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જો કે, બાદમાં તેણે પોસ્ટને હટાવી દીધી અને સ્પષ્ટતા કરી કે તેણે પોસ્ટ નથી કરી પરંતુ તેના ટ્વિટર હેન્ડલને હેન્ડલ કરનાર વ્યક્તિએ ભૂલ કરી છે.