ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ સ્થિતિનો માહોલ સર્જાયો છે. પાકિસ્તાન સતત પંજાબ અને જમ્મુથી જેસલમેર સુધી પાકિસ્તાનના 50 ડ્રોન દ્રારા ભારત પર હુમલા કરવામાં આવ્યા. જોકે ભારતીય સેનાએ તમામ ડ્રોન હુમલાને નિષ્ફળ કર્યા છે. યુદ્ધ સ્થિતિમાં તણાવ વધતા આજે સવારથી જ પંજાબમાં અનેક સ્થાનો પર હાઈએલર્ટ કરાયું છે. ચંદીગઢમાં સવારે સાયરન ગૂંજયુ હતું અને વહીવટીતંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે. આ સાથે લોકોને એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ઘરમાં બારી અને દરવાજા બંધ રાખે અને શકય બને ત્યાં સુધી બારીથી દૂર રહે.
6 જિલ્લાઓમાં એલર્ટની સ્થિતિ
પંજાબ પાકિસ્તાન સાથે 532 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. સમગ્ર રાજ્યમાં એલર્ટની સ્થિતિ છે ત્યારે પંજાબના સંવેદનશીલ એવા 6 જિલ્લાઓમાં વર્તમાન સ્થિતિને લઈને શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ 6 જિલ્લાઓમાં ફાઝિલ્કા, પઠાણકોટ, ફિરોઝપુર, અમૃતસર, ગુરદાસપુર અને તરનતારનનો સમાવેશ થાય છે. જ્યાંસુધી વહીવટીતંત્ર દ્વારા નવા આદેશ ના અપાય ત્યાં સુધી આ જિલ્લાઓની શાળા અને કોલેજો બંધ રહેશે.
નાગરિકોનો ઉત્સાહ આસમાને
દેશમાં અત્યારે યુદ્ધની સ્થિતિ છે ત્યારે પંજાબના નાગરિકોનો ઉત્સાહ આસમાને છે. નાગિરકો કહી રહ્યા છે કે અમે ભારતીય સેનાની સાથે છીએ. અમે આતંકવાદ કે પાકિસ્તાનના હુમલાને લઈને જરા પણ ડરતા નથી. પરંતુ હા, સરકારના નિર્દેશોનું પાલન કરી ઘરમાં રહીશું. નાગરિકો શક્ય બને તેટલી સરકારને મદદ કરવા તત્પરતા દર્શાવી પોતાના રાષ્ટ્રપ્રેમ દર્શાવી રહ્યા છે. લોકોએ કહ્યું કે અમને સેના પર પૂરો વિશ્વાસ છે અને કોઈપણ નાગરિક નઠારા પાકિસ્તાનના પ્રહારથી ડરતા નથી. પાકિસ્તાનના તમામ હવાઈ હુમલાઓને સેનાએ આકાશમાં જ નિષ્ફળ બનાવી દીધા છે. જણાવી દઈએ કે સાવચેતીના પગલા તરીકે, પંજાબમાં તમામ પ્રકારના જાહેર કાર્યક્રમો અને મોટા લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રસાસનની લોકોને અપીલ
આજે શુક્રવાર સવારથી ચંદીગઢ અને અંબાલામાં હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. ચંદીગઢના એરફોર્સ સ્ટેશન પરથી આ સાયરન સંભળાયા હતા અને શહેરના તમામ લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ફક્ત ખૂબ જ મહત્વપૂર્ણ કામ માટે બહાર જવા માટે કહેવામાં આવ્યું છે અને જો તે શક્ય ન હોય તો તેમને તેમના ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. પ્રશાસનનું કહેવું છે કે હાલમાં કોઈ ચેતવણીની સ્થિતિ નથી, પરંતુ લોકો માટે પોતાના ઘરોમાં રહેવું વધુ સારું રહેશે.
નાગરિકોની સુરક્ષાને લઈને વહીવટીતંત્ર સજજ
ચંદીગઢના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું કે એરફોર્સ સ્ટેશન તરફથી ચેતવણી મળી રહી છે. નફ્ફટ પાકિસ્તાન ફરી હુમલાઓ કરી શકે તેવી સંભાવનાને પગલે પંજાબના ચંદીગઢ અને મોહાલીમાં લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે. લોકોએ કામ વગર ઘરની બહાર ના જવું. ખાસ કરીને ચંદીગઢના ક્ટર 45 અને 47 ને અડીને આવેલા મોહાલીના વિસ્તારોના લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી. નાગરિકોની સુરક્ષાને લઈને વહીવટીતંત્ર સજજ છે અને સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.