ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને કેટલાક એરપોર્ટને સુરક્ષાની દ્રષ્ટીએ બંધ રાખવામાં આવ્યા હતા. આ તમામ એરપોર્ટ 15 મેના સુધી બંધ રાખવાના આદેશ હતા. હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમય પહેલા આ પ્રતિબંધ હટાવી દીધો છે. આદેશ મુજબ, શ્રીનગર એરપોર્ટ પર સેવાઓ હાલ બંધ રહેશે.


અન્ય એરપોર્ટ રાબેતા મુજબ શરુ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં ઘણી હવાઈ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ સાથે, ઘણા એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દેશભરના કુલ 32 એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હવે તેમને નાગરિક ઉડાન કામગીરી માટે ખોલવામાં આવ્યા છે. "ઓપરેશન સિંદૂર" પછી, ચંદીગઢ સહિત ઘણા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે તે ફરીથી ખોલવામાં આવ્યા છે. આ અંગેની માહિતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય ઉડ્ડયન નિયમનકારો દ્વારા આપવામાં આવી છે. શ્રીનગર એરપોર્ટ હાલ પૂરતું બંધ રહેશે. અહીં ફ્લાઇટ્સ આજથી નહીં પણ આવતીકાલથી શરૂ થશે. આ પાછળનું કારણ સંવેદનશીલ ક્ષેત્ર હોવાનું માનવામાં આવે છે. આ સાથે, ખીણમાં હજુ પણ ઘણા ઓપરેશન ચાલુ છે. આ જ કારણ છે કે મંગળવારથી શ્રીનગર એરપોર્ટ ખુલશે.

15 મે સુધી હતો પ્રતિબંધ

15 મે 2025ના રોજ સવારે 5-29 વાગ્યા સુધી 32 એરપોર્ટને સિવિલ એરક્રાફ્ટ ઓપરેશન માટે કામચલાઉ બંધ રાખવા અંગે નોટિસ જાહેર કરાઇ હતી. આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી સિવિલ એરક્રાફ્ટ ઓપરેશન માટે ઉપલબ્ધ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ એરપોર્ટ પરથી પ્રતિબંધ હટાવાયો

અધમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવાડા, હિંડોન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, લુધિયાણા, મુન્દ્રા, નાલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસવા, શિમલા, થોઇસ, ઉત્તરલાઈ. આ બધા એરપોર્ટ આજે જ ખુલી જશે. જ્યારે જમ્મુ અને કાશ્મીરનું શ્રીનગર એરપોર્ટ આવતીકાલે ખુલશે. પાકિસ્તાને આ એરપોર્ટ પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને બંધ કરાયા હતા. જો કે હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. 

  • Follow us on: