આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની ચિંતાજનક સ્થિતિનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે આપણે એવા પાડોશી દેશની માનસિકતાને બદલી શકતા નથી જેની વિચારધારા જ કટ્ટરતા પર આધારિત છે અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ આવું કરી શક્યા નથી. વિદેશ મંત્રી જયશંકરે લોકસભામાં પ્રશ્નકાળમાં એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં હિંદુઓ સહિત ધાર્મિક લઘુમતીઓ પર હુમલા અને અત્યાચારના ઘણા કિસ્સાઓ હોવા છતાં ત્યાંની સરકાર લઘુમતીઓના રક્ષણ માટે કોઈ પગલાં લેતી નથી. વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો સાથેના વ્યવહાર પર ચાંપતી નજર રાખે છે અને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર સમયાંતરે તેમના દમનના મુદ્દા ઉઠાવતી રહે છે.


પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર

જયશંકરે કહ્યું કે, ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચારના 10 કેસ, શીખોની ઉત્પીડનના બે કેસ અને ખ્રિસ્તી સમુદાયના વ્યક્તિ પર અત્યાચારના એક કેસ નોંધાયા હતા. વિદેશ મંત્રીએ હોળી રમતા વિદ્યાર્થીઓ સામે અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને પોલીસ કાર્યવાહીના કેસોની યાદી આપી હતી. તેમણે કહ્યું કે અહમદિયા સમુદાયના લોકોને હેરાન કરવાનો મામલો પણ સામે આવ્યો છે. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના એક પૂરક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સામેના અનેક મામલા જાહેર થવા છતાં અને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવામાં આવ્યા હોવા છતાં પાડોશી દેશની સરકાર લઘુમતીઓના રક્ષણ માટે કોઈ પગલાં લેતી નથી.

લઘુમતીઓ પર હુમલા

વિદેશ મંત્રીએ કહ્યું કે 2024માં બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાના 2400 કેસ નોંધાયા હતા અને 2025માં અત્યાર સુધીમાં આવા 75 કેસ નોંધાયા છે. તેમણે કહ્યું કે મેં આ બાબતનો મુદ્દો ત્યાંના વિદેશ મંત્રી સાથે કરી હતી. અમારા વિદેશ સચિવે બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન આ વિષય પર વાત પણ કરી હતી. ભારત સરકાર માટે આ ચિંતાનું કારણ છે. શિવસેનાના સભ્ય અરવિંદ સાવંત દ્વારા પાકિસ્તાનમાં હિન્દુઓની ઘટતી વસ્તી અને તેમના ધાર્મિક અત્યાચાર અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે અમે એક દેશ અને સરકાર તરીકે એવા પડોશી દેશની માનસિકતા બદલી શકતા નથી જેની વિચારધારા જ કટ્ટરતાની હોય. ઈન્દિરા ગાંધી પણ આ મામલે કરી શક્યા નહીં. સાવંતે કહ્યું કે હું સમજું છું કે રાજકીય રીતે સરકાર પગલાં લઈ રહી છે પરંતુ તેમ છતાં પરિણામ નથી આવી રહ્યું. 1971માં પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની રચનાની ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આજે પણ મને ઈન્દિરા ગાંધી યાદ આવે છે.


  • Follow us on: