જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો ત્યારબાદ કાશ્મીરમાં માહોલ તંગ જોવા મળ્યો હતો. દરેક ખૂણે ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો છે. આતંકીઓને શોધવા માટે સેનાના સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. તેવામાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા આજે પહેલગામ પહોંચ્યા હતા. ત્યાં એક ખાસ કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં શું ચર્ચા કરવામાં આવી આવો જાણીએ..
આતંકવાદ પ્રવાસીઓને નહી રોકી શકે- ઉમર અબ્દુલ્લા
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પહલગામમાં 22 એપ્રિલે થયા હુમલા બાદ પહેલીવાર આજે પહલગામ પહોંચ્યા હતા. અહીં તેમણે ખાસ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે આશા વ્યક્ત કરી હતી કે શાંતિ અને ભરોસા વચ્ચે કાશ્મીરમાં પર્યટકોનું પુનઃસ્થાપન શરૂ થશે. આ મુલાકાત અને કેબિનેટ બેઠકથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે આતંકવાદ પર્યટનને રોકી શકશે નહીં. આતંકવાદ કાશ્મીરના વિકાસમાં અવરોધ ન બની શકે.
પ્રવાસીઓનો આભાર- ઉમર અબ્દુલ્લા
ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરતા જણાવ્યું કે પહેલગામમાં કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરવા માટે. અમે સ્થાનિક લોકો સાથે એકતા વ્યક્ત કરવા આવ્યા છીએ. અમે બધા પ્રવાસીઓનો આભાર માનવા પણ આવ્યા છીએ જેઓ ધીમે ધીમે કાશ્મીર અને પહેલગામ પાછા ફરી રહ્યા છે.
પહલગામમાં જ કેમ યોજાઇ બેઠક ?
સરકારના કાર્યકાળમાં આવુ પહેલી વાર છે જ્યારે કેબિનેટની બેઠક ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગર અથવા શિયાળુ રાજધાની જમ્મુની બહાર યોજાઈ હતી. પહેલગામની પસંદગીનો હેતુ પ્રવાસન નગરના રહેવાસીઓ સાથે એકતા દર્શાવવાનો છે. જ્યાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થતા 26 લોકો માર્યા ગયા હતા. પરિણામે પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઇ હતી. અધિકારીઓએ ભાર મૂક્યો કે આ બેઠકનું મહત્વ રાષ્ટ્રવિરોધી અને અસામાજિક તત્વોને સીધો સંદેશ આપવામાં વધુ રહેલું છે. જમ્મુ અને કાશ્મીરમાં હિંસા માટે કોઈ સ્થાન નથી.