- જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઇને એલર્ટ મોડમાં સરકાર
- આતંકીઓને સહયોગ કરનારા સામે કસાશે સકંજો
- કેન્દ્ર સરકાર કડક એક્શન લેવાની તૈયારીમાં
જમ્મુ કાશ્મીરમાં બસ યાત્રીઓ પર થયેલા હુમલાને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. આતંકીઓને સહયોગ કરનારા પર બહુ જલ્દી સકંજો કસાશે. કાશ્મીરની જેમ હવે જમ્મુમાં પણ આતંકવાદીઓના સમર્થકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને કડકમાં કડક એક્શન લેવામાં આવશે.
સુરક્ષા અને ગુપ્તચર એજન્સી સાથે ચર્ચા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન, જમ્મુની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે તાજેતરના સમયમાં જમ્મુ સાથે જોડાયેલ આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) દ્વારા ભારતમાં ઘૂસણખોરી સતત વધી રહી છે. તેમજ સંભવિત અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી કોઈ મોટું કાવતરું ઘડી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.. અમરનાથ યાત્રાને લઇને 500થી વધારે કંપનીઓ તૈનાત હશે તેમ સુરક્ષા અને રક્ષા એજન્સીની બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો.
આતંકીઓના સમર્થન કરનારાઓની ખેર નહી
સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે કાશ્મીરની જેમ જમ્મુમાં આતંકવાદીઓના સમર્થકો અને ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સંપત્તિ જપ્ત કરવાથી લઈને ગંભીર ગુનાહિત કલમો સુધીના કેસ પણ નોંધવામાં આવશે. એવા લોકોની યાદી બનાવવામાં આવશે જેઓ આતંકવાદીઓના સમર્થક છે અને તેમના પરિવારના સભ્યોને પણ સરકારી નોકરી ન આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ ઉપરાંત ગૃહ મંત્રાલયના કાશ્મીર વિભાગ અને મિલિટરી ઈન્ટેલિજન્સ શાખા સહિત ઘણા મહત્વપૂર્ણ વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતા.
અમરનાથ યાત્રાને લઇને કરવામાં આવી સમીક્ષા
ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ બેઠક દરમિયાન અમરનાથ યાત્રા પરના સંભવિત ખતરા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. યાત્રા દરમિયાન અર્ધલશ્કરી દળોની 500થી વધુ કંપનીઓને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. તેમાં CRPF, BSF, ITBP, CISF સહિત તમામ અર્ધલશ્કરી સુરક્ષા દળોનો સમાવેશ થશે. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે પંજાબમાં હાજર કંપનીઓને હવે જમ્મુ પરત મોકલવામાં આવે. આ કંપનીઓ પંજાબમાં ચૂંટણી દરમિયાન તૈનાત કરવામાં આવી હતી.
બેઠકમાં અમરનાથ યાત્રાને લઇને શું ચર્ચા ?
બેઠકમાં અમરનાથ યાત્રા, માતા ખીરભવાની મેળો, બુઢા અમરનાથ યાત્રા અને શ્રી મચૈલ યાત્રા માટે તમામ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા માટે સંયુક્ત કંટ્રોલ રૂમ સ્થાપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880-મીટર ઉંચી અમરનાથ ગુફાની વાર્ષિક યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 14મી જૂનથી ખીરભવાની મેળો શરૂ થયો છે. જે બાદ 18મી જુલાઈના રોજ મચૈલ યાત્રા શરૂ થશે. બેછકમાં ભગવતી નગરમાં યાત્રી નિવાસ અને અન્ય આવાસ કેન્દ્રોમાં શ્રદ્ધાળુઓ માટે મજબૂત સુરક્ષા પગલાં અને પર્યાપ્ત સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યાત્રાળુઓને નહી પડે તકલીફ
યાત્રાળુઓ મુશ્કેલી વગર પરિવહન કરી શકે તે માટે પરિવહન યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે, જમ્મુ પ્રાંતના પાંચ જિલ્લા, જમ્મુ, ડોડા, કિશ્તવાડ, રાજૌરી, પૂંચ અને રિયાસીમાં સુરક્ષા કર્મચારીઓની તૈનાતીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ક્વિક રિએક્શન ટીમ (QRT) અને રોડ ઓપનિંગ પાર્ટી (ROP)ને ફૂલપ્રૂફ વ્યવસ્થા સાથે સ્વાગત કેન્દ્રો, લંગર અને સહાય બૂથ પર તૈનાત કરવામાં આવશે.













