તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની કરોડો રૂપિયાની સંપત્તિ જે અપ્રમાણસર સંપત્તિના કેસમાં જપ્ત કરવામાં આવી હતી, તે આજે તમિલનાડુ સરકારને ટ્રાન્સફર કરવામાં આવી છે. તમિલનાડુ સરકારને ટ્રાન્સફર કરાયેલી સંપત્તિમાં 27 કિલો સોનું, 1116 કિલો ચાંદી અને જમીનના કાગળોનો સમાવેશ થાય છે.


2016માં જયલલિતાનું અવસાન

મહત્વનું છે કે પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું લાંબી બીમારી બાદ 5 ડિસેમ્બર 2016 ના રોજ અવસાન થયું હતું. કોર્ટના નિર્ણય બાદ જયલલિતાની મિલકતોના ટ્રાન્સફરની પ્રક્રિયા શુક્રવાર, 14 ફેબ્રુઆરીના રોજ સરકારી અધિકારીઓની હાજરીમાં પૂર્ણ થઈ હતી. તેમની સામે નોંધાયેલા અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ દરમિયાન એજન્સીઓ દ્વારા આ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિમાં સોનું, ચાંદી અને જમીનનો સમાવેશ થાય છે. તેમની વિગતો આ પ્રમાણે છે.

અત્યાર સુધી અપ્રમાણસર મિલકતને લઇને જે તપાસ ચાલતી હતી તેથી આ મિલકત કર્ણાટક વિધાનસભાના તિજોરીમાં રાખવામાં આવી હતી. આ મિલકતો કોર્ટ અને સરકારી અધિકારીઓની હાજરીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

કડક સુરક્ષા અને વીડિયોગ્રાફી સાથે સોંપાઇ સંપત્તિ 

આ કિંમતી વસ્તુઓ મેળવવા માટે તમિલનાડુ ગૃહ વિભાગના સંયુક્ત સચિવ કોર્ટમાં હાજર હતા. ટ્રેઝરી અધિકારીઓએ કડક સુરક્ષા વચ્ચે કાળજીપૂર્વક સંપત્તિ સોંપી હતી. . તમિલનાડુના અધિકારીઓએ ખાતરી કરી કે આ મિલકતો વિશે રેકોર્ડ નોંધાવવાની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવે. આ સમગ્ર કાર્યવાહી બંધ રૂમમાં હાથ ધરવામાં આવી હતી. યોગ્ય કાનૂની પ્રક્રિયાઓ પછી કિંમતી વસ્તુઓ ઔપચારિક રીતે તમિલનાડુના અધિકારીઓને સોંપવામાં આવી.

તમને જણાવી દઈએ કે જયલલિતાના મૃત્યુ પછી આ મિલકતોની માલિકી અંગે લાંબી કાનૂની લડાઈ લડાઈ હતી. જયલલિતાની ભત્રીજી જે. દીપાએ આ મિલકતોનો દાવો કર્યો હતો અને તેના પર માલિકી હકોની માંગણી કરીને કોર્ટમાં ગયા હતા. પરંતુ કોર્ટે તેમની વિરુદ્ધ ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે ભ્રષ્ટાચાર કેસમાં જપ્ત કરાયેલી મિલકતો ખરેખર તમિલનાડુ સરકારની છે.


શું છે વિવાદ ? 

ઉલ્લેખનીય છે કે જયલલિતા વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિનો કેસ 1991-1996 દરમિયાન તેમના મુખ્યમંત્રી તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન લાદવામાં આવ્યો હતો. આરોપો અનુસાર, તેમણે તેમના જાણીતા આવકના સ્ત્રોતો કરતાં ઘણી વધારે સંપત્તિ મેળવી હતી. આરોપ એવો હતો કે તેમણે લગભગ 67 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી, જે તેમની કાયદેસર આવક સાથે મેળ ખાતી ન હતી. આ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ નોંધવામાં આવ્યો હતો. તેની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવી હતી.

27 સપ્ટેમ્બર 2014ના રોજ, બેંગલુરુની એક ખાસ કોર્ટે જયલલિતાને દોષિત ઠેરવ્યા હતા અને તેમને ચાર વર્ષની જેલની સજા અને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ નિર્ણય પછી તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું અને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ મે 2015 માં, કર્ણાટક હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા, જેના પછી તેઓ ફરીથી મુખ્યમંત્રી બની શક્યા.

ફેબ્રુઆરી 2017 માં, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને ઉથલાવી દીધો અને નીચલી કોર્ટની સજાને સમર્થન આપ્યું. જોકે, 2016 માં જયલલિતાનું અવસાન થયું ત્યારથી તેમની સામેની કાર્યવાહી બંધ થઈ ગઈ હતી. 

  • Follow us on: