- હેમંત સોરેન આવ્યા જેલની બહાર
- કાકાના શ્રાદ્ધની વિધિમાં ભાગ લેવા આવ્યા
- વધેલી દાઢી સાથે દેખાયો નવો લુક, પરિવારને મળીને થયા ભાવુક
ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન કોર્ટની અનુમતિ બાદ થોડા સમય માટે તેઓ જેલની બહાર આવ્યા હતા. તેઓ પોતાના પૈતૃક ગામ નેમરા પહોંચ્યા હતા. તેઓ તેઓ પિતા શિબુ સોરેન, માતા રૂપી સોરેન, પત્ની કલ્પના સોરેન, તેના બાળકો નિખિલ અને અંશ અને તેના પરિવારના સભ્યોને મળ્યા બાદ ભાવુક બન્યા હતા. 96 દિવસ બાદ જેલમાંથી બહાર આવતા હેમંત સોરેનનો અલગ જ લુક જોવા મળ્યો હતો.
વધેલી દાઢી સાથે પરિવાર મુલાકાતના ફોટા કર્યા શેર
ઝારખંડ હાઈકોર્ટે હેમંત સોરેનને તેના કાકા રાજારામ સોરેનના શ્રાદ્ધમાં હાજરી આપવા માટે થોડા કલાકો માટે પોલીસ કસ્ટડીમાં રહીને હાજરી આપવાની મંજૂરી આપી હતી. આ સમયગાળા દરમિયાન મીડિયા સાથે વાત કરવા અને રાજકીય ચર્ચાઓ પર પ્રતિબંધ હતો. હેમંત સોરેનની પરિવાર સાથેની મુલાકાતની ચાર લેટેસ્ટ તસવીરો તેના X હેન્ડલ પર શેર કરી હતી. જેમાં તેમની વધારેલી દાઢી વાળો લુક જોઇને તેમની તુલના પિતા શિબુ સોરેન સાથે કરી હતી.
31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી
EDએ રાંચીના બડગાઈ વિસ્તારમાં સાડા આઠ એકર જમીનની ગેરકાયદેસર ખરીદીના કેસમાં આઠ કલાકની પૂછપરછ બાદ 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં છે. 30 એપ્રિલે તેમના કાકાના અવસાન પર, હેમંત સોરેને અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે PMLA કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે મંજૂરી આપી ન હતી. ત્યારબાદ હાઈકોર્ટમાં તેમણે શ્રાદ્ધમાં હાજરી આપવા માટે કામચલાઉ જામીન માટે વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે જામીન આપ્યા નહોતા. પરંતુ જસ્ટિસ રંગન મુખોપાધ્યાયની કોર્ટે આદેશ આપ્યો કે સોરેન થોડા સમય માટે પોલીસ કસ્ટડીમાં તેના કાકાના શ્રાદ્ધમાં હાજરી આપી શકે છે. સોમવારે સાંજે શ્રાદ્ધની વિધિ પૂરી થયા બાદ સોરેન બિરસા મુંડા જેલમાં પરત ફરશે.