- રાજ્યસભામાં ગૃહના નેતા તરીકેની જવાબદારી જે.પી.નડ્ડાને સોંપાઈ શકે
- હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે જે.પી.નડ્ડા
- લાલ કૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓ પણ રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે
નવી સરકારમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ટૂંક સમયમાં વધુ એક મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. મળતી માહિતી મુજબ જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે અને તેમના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન મહિનામાં પૂરો થવા જઈ રહ્યો છે. અગાઉ તેમનો કાર્યકાળ જાન્યુઆરીમાં જ પૂરો થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીને કારણે તેમનો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો.
અત્યાર સુધી રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ હતા, પરંતુ ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી સાંસદ બન્યા બાદ તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં વરિષ્ઠતા અને અનુભવને ધ્યાનમાં રાખીને જેપી નડ્ડાને આ પદ સોંપવામાં આવી શકે છે. નોંધનીય છે કે રાજ્યસભામાં ગૃહના નેતા સૌથી મોટા સંસદીય દળના નેતા હોય છે અને તેમનું વિશેષ મહત્વ છે.













