પહલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આવતીકાલે એટલે કે 6 જૂને પ્રથમ વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે જશે. વડાપ્રધાન મોદી દુનિયાના સૌથી ઉંચા રેલવે આર્ચ બ્રિજ ચિનાબ અને ભારતના પ્રથમ કેબલ સ્ટે રેલ બ્રિજ અંજીનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તે કટરામાં 46,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલી ઘણી વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ તથા ઉદ્ઘાટન કરશે અને દેશને સમર્પિત કરશે.


કટરા-શ્રીનગર વંદે ભારતથી આધ્યાત્મિક પર્યટનમાં વધારો થશે

વડાપ્રધાન મોદી શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર અને પરત આવનારી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને પણ લીલીઝંડી આપશે. આ પ્રવાસને લઈને વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે જમ્મુ કાશ્મીર માટે આવતીકાલનો દિવસ મહત્વનો છે. આવતીકાલે 46,000 કરોડની પરિયોજનાઓનો શુભારંભ કરવામાં આવશે. કટરા-શ્રીનગર વંદે ભારતથી આધ્યાત્મિક પર્યટનમાં વધારો થશે. વડાપ્રધાને કહ્યું કે ચેનાબ રેલવે બ્રિજ એક અસાધારણ સિદ્ધિ છે.


બ્રિજ નદીથી 359 મીટરની ઉંચાઈ પર સ્થિત

તમને જણાવી દઈએ કે ચિનાબ રેલ પુલ દુનિયાનો સૌથી ઉંચો રેલવે આર્ચ બ્રિજ છે. તે 1,315 મીટર લાંબો સ્ટીલ આર્ચ બ્રિજ છે, જેને ભૂકંપ અને હવાની દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજ નદીથી 359 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ પુલ જમ્મુ અને શ્રીનગરની વચ્ચે સંપર્કમાં વધારો કરશે. આ પુલ પર ચાલનારી વંદે ભારત ટ્રેન દ્વારા કટરા અને શ્રીનગરની વચ્ચે મુસાફરી કરવામાં માત્ર 3 કલાક લાગશે. અંજી બ્રિજ ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ બ્રિજ છે.     

  • Follow us on: