ભારત અને ચીન કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા સંમત થયા છે. આ માહિતી ભારતના વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી છે. ભારત અને ચીન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને કૈલાશ માનસરોવર યાત્રા રોકી દેવામાં આવી હતી. 2020થી ભારતીયો માટે બંને સત્તાવાર મુસાફરી માર્ગો બંધ છે. હિન્દુઓ માને છે કે કૈલાશ માનસરોવર ભગવાન શિવનું નિવાસસ્થાન છે. એટલા માટે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કૈલાશ માનસરોવરની મુલાકાત લે છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાલમાં બેઈજિંગની મુલાકાતે
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હાલમાં બેઈજિંગની મુલાકાતે છે. જ્યાં તેમણે વિદેશ સચિવ અને નાયબ વિદેશ પ્રધાનની બેઠકમાં હાજરી આપી હતી. ઓક્ટોબરમાં કાઝાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી બે દિવસીય બેઠકમાં બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી અને સંબંધોને સ્થિર કરવા અને પુનઃનિર્માણ કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
ભારત-ચીન નિષ્ણાત સ્તરની બેઠક ટૂંક સમયમાં યોજાશે
આ બેઠકમાં જ બંને પક્ષોએ 2025ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, બંને દેશોએ ભારત-ચીન નિષ્ણાત સ્તરની બેઠક યોજવા માટે પણ સંમતિ દર્શાવી છે, જેથી હાઈડ્રોલોજિકલ ડેટાની જોગવાઈ અને સરહદ પારની નદીઓ સંબંધિત અન્ય સહયોગ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી શકાય. આ બેઠકમાં ચીન દ્વારા બ્રહ્મપુત્ર નદી પર બંધ અંગે ભારતની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. મિસ્ત્રીએ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સહિત અનેક મહત્વપૂર્ણ નેતાઓને પણ મળ્યા. આ વર્ષે ભારત-ચીન રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સંબંધોને ઝડપથી મજબૂત બનાવવા માટે એક કરાર થયો છે.
ભારત અને ચીન સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા સહમતી
બંને દેશો વચ્ચેની આ મહત્વપૂર્ણ બેઠકમાં સંવાદ અને આદાનપ્રદાનને વધુ પ્રોત્સાહન આપવા અને સુવિધા આપવા માટે યોગ્ય પગલાં લેવા સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત બંને દેશો તેમની વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને ચીન સંબંધોને સ્થિર કરવા અને ફરીથી મજબૂત બનાવવા માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમત થયા છે.