- કાવડ યાત્રાને લઇને સીએમ યોગીનો મોટો નિર્ણય
- કાવડ રૂટ પરની દુકાનોમાં લાગશે નેમ પ્લેટ
- દુકાનો પર માલિકનું નામ અને એડ્રેસ લખવાનું
22 જુલાઇથી કાવડયાત્રા શરૂ થઇ રહી છે. ત્યારે યુપી સરકારે કાવડયાત્રાને લઇને મહત્વનો આદેશ આપ્યો છે. સુચારુ રૂપે કાવડયાત્રા થઇ શકે તે માટે યોગી સરકાર દ્વારા કાવડયાત્રાના રૂટ પર આવતી ખાણીપીણીની દુકાનો માટે ખાસ આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ રૂટ પર આવતી તમામ દુકાનોએ પોતાના વિશે માહિતી આપવી પડશે. એટલે કે દુકાનોમાં નેમ પ્લેટ લગાવવાની રહેશે જેની પર દુકાનદારના માલિક અને સંચાલકનું નામ લખવાનું રહેશે. આ ઉપરાંત એડ્રેસ પણ લખવાનું રહેશે.
દુકાનદારોએ ઓળખ આપવાની રહેશે
કાવડયાત્રાના માર્ગ પર આવતી તમામ દુકાનોમાં દુકાનદારોએ પોતાની ઓળખ આપવાની રહેશે. તેમાં પણ ખાસ કરીને ખાણી પીણીની દુકાનો પર તો નેમ પ્લેટ લગાવવી અનિવાર્ય રહેશે. હલાલ સર્ટિફિકેશન પ્રોડક્ટ વેચનાર પર કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે ઉત્તર ભારતમાં સામાન્ય કરતા 15 દિવસ પહેલા જ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. જે મુજબ 22 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થઇ રહ્યો છે. કાવડીયા શ્રાવણના એક દિવસ પહેલા જ હરિદ્વાર જવા નીકળે છે. આ યાત્રાને કાવડયાત્રા કહેવામાં આવે છે. ત્યારે આ દરમિયાન કાવડ યાત્રીઓની આસ્થા અને પવિત્રતા જળવાઇ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
યુપી પોલીસે પણ કરી અપીલ
પોલીસના આદેશથી મુઝફ્ફરનગરના બજારોની તસવીર બદલાઈ ગઈ છે. આ ક્રમમાં પોલીસે જણાવ્યું છે કે પવિત્ર શ્રાવણ મહિનામાં ઘણા લોકો, ખાસ કરીને કાવડયાત્રીઓ પોતાના આહારમાં અમુક ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળે છે. ભૂતકાળમાં આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે જેમાં ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનોના નામ એવી રીતે રાખ્યા હતા કે જેનાથી કાવડયાત્રીઓમાં અસમંજસ ઉભી થઈ હતી. જેને ધ્યાને રાખીને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને કાવડ માર્ગ પરની હોટલ, ઢાબા અને ખાદ્યપદાર્થો વેચતા દુકાનદારોને તેમના માલિકો અને કર્મચારીઓના નામ સ્વેચ્છાએ દર્શાવવા વિનંતી કરવામાં આવી છે.
પોલીસ અપીલ કરી હતી કે તેમના આદેશનો હેતુ ભક્તોને સુવિધા આપવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે. યુપી પોલીસના આ આદેશની અસર પણ જોવા મળી હતી અને લોકોએ મુઝફ્ફરનગરમાં દુકાનો, હોટલ અને ગાડીઓ પર પોતાના નામ સાથે ચિહ્નો લગાવી દીધા હતા. વહીવટીતંત્રની દલીલ છે કે કાવડયાત્રીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે આ આદેશ આપવામાં આવ્યો છે જેને કાવડયાત્રીઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો છે.