- મનીષ સિસોદિયા પર વિપક્ષે લખ્યો પત્ર તો રાજકારણ ગરમાયુ
- મનિષ સિસોદિયાને બચાવવા માટે ઘણા વિપક્ષી નેતાઓએ પત્રો લખ્યા છે.
- તેનો અર્થ એ છે કે ગુનાની પુષ્ટિ થઈ ગઈ છે
પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. વિપક્ષ કે શાસક પક્ષ આ મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નથી. ભાજપ અને કોંગ્રેસ મનીષ સિસોદિયાને ભ્રષ્ટ સાબિત કરવા મક્કમ છે, જ્યારે આમ આદમી પાર્ટી તેમને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત કરવા મક્કમ છે. એક સમયે CM અરવિંદ કેજરીવાલના નજીક રહેલા બીજેપી નેતા કપિલ મિશ્રા પણ મનીષ સિસોદિયા પર થઈ રહેલા હુમલા વચ્ચે કૂદી પડ્યા છે. તેમણે ટ્વીટ દ્વારા આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહારો કર્યા છે.
બીજેપી નેતા કપિલ મિશ્રાએ એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યુ છે. પોતાના ટ્વીટમાં તેમણે મનીષ સિસોદિયાની સરખામણી આતંકવાદી કસાબ સાથે કરી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, 'મનિષ સિસોદિયાને બચાવવા માટે ઘણા વિપક્ષી નેતાઓએ પત્રો લખ્યા છે. કસાબને બચાવવા માટે પણ આવો જ પત્ર લખવામાં આવ્યો હતો. જ્યારે આવા પત્રો આવવા લાગે છે, તેનો અર્થ એ છે કે ગુનાની પુષ્ટિ થઈ ગઈ છે. હવે બચાવવા માટે ગભરાટ છે'.
સિસોદિયાને ગઈકાલે પણ જામીન મળ્યા ન હતા
26 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં આઠ કલાકની પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આવતીકાલ સુધી તે સીબીઆઈના રિમાન્ડ પર છે. 10 માર્ચે તેમના જામીન પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થશે. એક દિવસ પહેલા સ્પેશિયલ જજ એમકે નાગપાલે સિસોદિયાની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
સીબીઆઈની માંગણી પર તેના રિમાન્ડ બે દિવસ માટે લંબાવવામાં આવ્યા હતા. હવે સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આઈ લવ મનીષ સિસોદિયા અભિયાન શરૂ કર્યું છે. આ ક્રમમાં એક સરકારી શાળાના ગેટ પર 'આઈ લવ મનીષ સિસોદિયા'ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે શાસ્ત્રી પાર્ક પોલીસ સ્ટેશને બીજેપી સાંસદ અને NCPCRની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. આજે કપિલ મિશ્રા પણ દિલ્હીના આ રાજકીય મેદાનમાં કૂદી પડ્યા છે.