- રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટનો મામલો
- કર્ણાટક સીએમ-કેબિનેટ મંત્રીઓને મળી ધમકી
- ધમકીભર્યો ઇમેઇલ મળતા ક્રાઇમ બ્રાંચે નોંધ્યો કેસ
કર્ણાટકના બેંગ્લોરમાં સ્થિત રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટનો આરોપી ચાર દિવસ બાદ પણ પકડાયો નથી. કર્ણાટક પોલીસ બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ આ મામલો સંભાળી લીધો છે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કેબિનેટ મંત્રીઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાનુ સામે આવ્યુંછે.
ધમકી ભર્યો મેઇલ આવ્યો
આ ધમકીઓ ખાસ કરીને મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર અને રાજ્યના ગૃહ પ્રધાન જી પરમેશ્વરા સહિત અગ્રણી હસ્તીઓને મોકલવામાં આવી હતી.એક વ્યક્તિ દ્વારા [email protected] નો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યો હતો.
શું લખ્યુ હતુ મેઇલમાં ?
મેઇલમાં લખવામાં આવ્યું હતું કે ફિલ્મના ટ્રેલર અંગે તમારો અભિપ્રાય શું છે? જો તમે અમને 2.5 મિલિયન ડોલર નહીં આપો તો અમે કર્ણાટકમાં બસો, ટ્રેનો, મંદિરો, હોટેલો અને જાહેર વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટ કરીશું. "અમે તમને વધુ એક ટ્રેલર બતાવવા માંગીએ છીએ. અમે આગામી વિસ્ફોટ અંબારી ઉત્સવમાં કરવા જઇ રહ્યા છીએ. અંબારી ઉત્સવ બસ વિસ્ફોટ પછી અમે સોશિયલ મીડિયા પર અમારો માગ ઉઠાવીશું અને તમને મોકલેલા સ્ક્રિન શોટ અપલોડ કરીશું. સોશિયલ મીડિયા પર અમે આગામી વિસ્ફોટ અંગેની જાણકારી ટ્વિટ કરીશું. જો કે આ મામલે બેંગલુરુ સિટી ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના શું હતી ?
બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં એક કેફેમાં 1 માર્ચે બ્લાસ્ટ થયો હતો. લંચની ભીડ દરમિયાન થયેલા વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બેંગલુરુના બ્રુકફીલ્ડ વિસ્તારમાં લોકપ્રિય ભોજનશાળા ધ રામેશ્વરમ કાફેમાં ઓછી-તીવ્રતાના વિસ્ફોટ બાદ છથી વધુ લોકો ઘાયલ થયા હતા. બેંગલુરુ પોલીસે કેફે વિસ્ફોટના સંબંધમાં કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો હતો. વિસ્ફોટ 1 માર્ચે બપોરે 1 વાગ્યે થયો હતો અને પોલીસને સીસીટીવી ફૂટેજમાં પણ એક શંકાસ્પદ વ્યક્તિ કેફેની અંદર બેગ લઈને જતો જોવા મળ્યો હતો.
આ કલમ હેઠળ નોંધાયો ગુનો
બેંગલુરુના રામેશ્વરમ કેફેમાં બોમ્બ બ્લાસ્ટ મામલે પોલીસની 8-9 ટીમો અલગ-અલગ એંગલથી મામલાની તપાસ કરી રહી છે. દરમિયાન, પોલીસે આઈપીસીની કલમ 307, 471 અને યુએપીએની કલમ 16, 18 અને 38 હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસ FIRમાં એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટની કલમ 3 અને 4 પણ ઉમેરવામાં આવી છે. હવે કેન્દ્રીય તપાસ એજન્સી NIAની ટીમે પણ બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસની તપાસ શરૂ કરી દીધી છે.