• જમ્મુ કાશ્મીરમાં સર્ચ ઓપરેશન તેજ
  • સુરક્ષા દળોએ વધુ એક આતંકી કર્યો ઠાર
  • કઠુઆમાં સેના-જવાન વચ્ચે આતંકી અથડામણ

જમ્મુ ડિવિઝનના કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સોહલ ગામમાં બુધવારે બીજા દિવસે પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે વધુ એક અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોએ અન્ય એક આતંકીને પણ ઠાર કર્યો છે. પોલીસ, SOG, CRPF, આર્મીના જવાનોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. એડીજીપી જમ્મુ આનંદ જૈને આ માહિતી આપી છે.

સર્ચ ઓપરેશન તેજ

હીરાનગરમાં થયેલા આતંકી અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હજી પણ આતંકી છૂપાયા હોવાની આશંકાને પગલે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આસપાસના વિસ્તારોમાં તપાસ અભિયાન તેજ કરવામાં આવ્યુ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે.

આતંકી પાસેથી મળી આવ્યા હથિયાર

આતંકી અથડામણ દરમિયાન સુરક્ષાદળોને હથિયાર અને દારૂગોળા મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ 30 રાઉન્ડ વાળી 3 મેગજીન, 24 રાઉન્ડ વાળી મેગજીન અને અલગ અલગ પોલિથીનમાં ત્રણ ગ્રેનેડ, 1 લાખ રૂપિયાની ચલણ (રૂ. 500ની 200 નોટ), ખાદ્ય પદાર્થો (પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, સૂકા ચણા અને વાસી રોટલી), દવાઓ અને પાકિસ્તાનમાં બનેલા ઈન્જેક્શન (પેઈન કિલર), એક સિરીંજ, A4 બેટરી 2 પેક અને ટેપમાં લપેટાયેલ હેન્ડસેટ જેમાં એન્ટેના અને હેન્ડસેટમાંથી લટકતા બે વાયરનો સમાવેશ થાય છે.


મંગળવારે રાત્રે આતંકીઓએ કર્યો હતો હુમલો

મંગળવારે રાત્રે આતંકવાદીઓએ કઠુઆના હીરાનગરના સોહલે સૈદા ગામમાં એક મકાન પર હુમલો કર્યો હતો. આતંકીઓના ગોળીબારમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. બીજી તરફ લોકોએ સુરક્ષા દળોને જાણ કરી હતી. આતંકવાદીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો.


  • Follow us on: