કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ ભૂસ્ખલન થતા આ દુર્ઘટનામાં 350 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો લાપતા થયા.. ભૂસ્ખલન બાદ વાયનાડના કેટલાક ગામો નાશ પામ્યા હતા. મેપ્પડીના ચુરામાલા, મુંડક્કાઈ અને વેલ્લારીમાલા ગામો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. સેંકડો પરિવારોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા હતા. પીડિતોની મદદ માટે ફિલ્મી દુનિયાના કલાકારો સહિત રાજકારણીઓ આગળ આવ્યા હતા. ત્યારે આ અંગે યુપી સીએમ યોગી આદિત્યનાથ પણ કેરળના લોકોની વ્હારે આવ્યા છે.
સીએમ યોગીએ મોકલ્યા 10 કરોડ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન પીડિતોને પુનર્વસન સહાય માટે રૂ. 10 કરોડ મોકલ્યા છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને આ માટે યોગી આદિત્યનાથનો આભાર માન્યો હતો. એક પત્ર દ્વારા રાજ્યપાલે ઉત્તર પ્રદેશ સરકારની ઉદારતાની પ્રશંસા કરી અને કહ્યું કે આ સહાયથી કેરળના લોકોના મન પર ઊંડી છાપ પડી છે. તેમણે આ મદદને કુદરતી આફતોના પીડિતો પ્રત્યે સમગ્ર દેશની એકતાના પ્રતિક તરીકે પણ ગણાવી હતી. પત્રમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સંબોધીને આરિફ મોહમ્મદ ખાને લખ્યું કે કેરળના વાયનાડ જિલ્લાના ભૂસ્ખલન પીડિતોના પુનર્વસન માટે તમે જે 10 કરોડ રૂપિયા મોકલ્યા છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર
ગીતાના શ્લોકની પણ મદદ લીધી
તેમણે આગળ લખ્યું કે તમારી ઉદારતાએ કેરળના લોકોના મન પર ઊંડી છાપ છોડી છે અને તેમને અહેસાસ કરાવ્યો છે કે કુદરતી આફતો કોઈ ચોક્કસ વિસ્તારના લોકોને અસર કરે છે, પરંતુ તેની પીડા સમગ્ર દેશ અનુભવે છે. આરિફ મોહમ્મદ ખાને પણ સીએમ યોગી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગીતાના શ્લોકનો સહારો લીધો હતો.
CMએ ભૂસ્ખલન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું
યોગી આદિત્યનાથે પણ વાયનાડમાં ભૂસ્ખલનને કારણે જાનમાલના નુકસાન પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે એક પોસ્ટમાં લખ્યું, "કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા વિનાશથી ખૂબ જ દુઃખી છું. મારી હૃદયપૂર્વકની સંવેદના અને પ્રાર્થનાઓ તેમના પ્રિયજનો સાથે છે અને હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું."













