- વર્લ્ડકપ પહેલા ખાલિસ્તાનીઓનો મુદ્દો બન્યો વિવાદનું કારણ
- ઉત્તરાખંડના ધર્મશાળા સિટીમાં સ્પ્રેંથી લખવામાં આવ્યો નારો
- પોલીસે સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ લઈ તપાસ શરૂ કરી
વર્લ્ડકપને લઈને અમદાવાદમાં ધમકીનો મામલો સામે આવ્યા બાદ હવે ઉત્તરખંડના ધર્મશાળા સિટીમાં એક ઈમારત પર ખાલિસ્તાની ઝિંદાબાદ એવો નારો લખેલો જોવા મળ્યો છે. જેને લઈને સુરક્ષા વિભાગમાં દોડાધામ મચી ગઈ હતી. આ નારો ભારતમાંથી સામે આવતા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ધર્મશાળાની કાંગડા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. પોલીસ અધિક્ષક શાલિની અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, કેટલાક તોફાની તત્ત્વોએ શાંતિભંગ કરવાનો પ્રયાસ કર્યો છે.
દિવાલ પર લખવામાં આવ્યું સુત્ર
સ્પ્રેંની મદદથી આ નારો દિવાલ પર લખવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતા પોલીસની ટીમ તૈયાર કરીને અધિકારીને સૂચના આપી દેવામાં આવી છે. એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એ દિવાલ પર ફરીથી રંગરોગાન કરાવવામાં આવ્યો છે. આ અંગે એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેના પર કાયદેસરના પગલાં લેવામાં આવશે. આ સમગ્ર વિસ્તારના સીસીટીવી પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. જેમાં જે તે વ્યક્તિ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી થશે. અન્ય અધિકારીએ કહ્યું કે, આ ઘટના એક ચિંતાનું કારણ એટલા માટે છે કે, વન ડે ક્રિકેટ શરૂ થવાના હવે ગણતરીના દિવસો બાકી છે.
આવી ઘટના સ્વીકાર્ય નથી
ઑક્ટોબર મહિનામાં પાંચ મેચ ધર્મશાળામાં રમાવવાના છે. જુદી જુદી ટીમ સિટીમાં આવવા લાગી છે. આવા માહોલ વચ્ચે આવી ઘટના સ્વીકાર્ય નથી. એટલું જ નહીં મેદાનની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એક પોલીસની ટીમ સતત સ્ટેડિયમ પાસે રહેશે. જ્યારે અન્ય સ્ટેડિયમને જોડતા રસ્તાઓ પર ખાસ પ્રકારની વૉચ રાખશે. જોકે, આ કેસમાં હજું સુધી કોઈ વ્યક્તિ પકડાઈ નથી. સીસીટીવીના રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કોઈ એક્શન લઈ શકે છે.