કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને ત્રણ મહિના વીતી ગયા છે. જો કે, હજુ સુધી ગુનેગારોને સજા થઈ નથી. સીબીઆઈ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પરંતુ જુનિયર તબીબોનો દાવો છે કે, હજુ પણ ન્યાય મળ્યો નથી. ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક જુનિયર ડોક્ટરનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે આરોપી નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી હતી. હાલ તે જેલ કસ્ટડીમાં છે.
જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટે સરઘસ કાઢવાનું આહ્વાન કર્યું
પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટે સીબીઆઈ પર સીધા સવાલો ઉઠાવતા સિવિલ માર્ચનું આહ્વાન કર્યું છે. ન્યાયની માંગણી સાથે તેમણે 9 નવેમ્બરે બપોરે 3 વાગ્યે કોલેજ સ્ક્વેરથી ધર્મતલ્લા સુધી સરઘસ કાઢવાનું આહ્વાન કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, આ સાથે તે દિવસે જુનિયર ડોક્ટરોના આંદોલનની તસવીરો પણ બતાવવામાં આવશે. તેમની સાથે આરજી કર હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
CBIની ચાર્જશીટ પર ડોક્ટોરે સવાલો ઉઠાવ્યા હતા
ગયા બુધવારે પશ્ચિમ બંગાળ જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટે મશાલ માર્ચનું આહ્વાન કર્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલથી CGO કોમ્પ્લેક્સ સુધી એક મશાલ સરઘસ કાઢ્યું હતું. તે દિવસે વિરોધકર્તાઓએ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. તે દિવસે સીબીઆઈની ચાર્જશીટ પર જુનિયર ડોક્ટરોએ પણ સવાલો ઉઠાવ્યા હતા.
જુનિયર ડોક્ટરોએ સવાલો ઉઠાવ્યા
તેમનો સવાલ છે કે, ઓટોપ્સીમાંથી સેમ્પલ 9 ઓગસ્ટે લેવામાં આવ્યા હતા, પરંતુ 14મીએ સેન્ટ્રલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. આટલું મોડું કેમ? 9મીએ રાત્રે સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ 12મીએ બેરેકમાંથી તેના લોહીના ડાઘાવાળા કપડાં લાવવામાં આવ્યા હતા. તો પછી આટલું મોડું કેમ થયું?
ચાર્જશીટમાં ઘટનાના દિવસની ખૂબ જ ચોક્કસ સમયરેખા
જુનિયર ડોક્ટરોએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર્જશીટમાં ઘટનાના દિવસની ખૂબ જ ચોક્કસ સમયરેખા છે, જેમાં અલગ-અલગ સમયે શું થયું તેની વિગતો આપવામાં આવી છે. મૃતકના માતા-પિતા તે દિવસે લગભગ 12:15 વાગ્યે આરજી કર હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ તેઓના આવ્યા પછી શું થયું, તેઓ ત્રણ કલાક સુધી મૃતદેહની નજીક કેમ ન જઈ શક્યા તેનો કોઈ ઉલ્લેખ નથી. તેવી જ રીતે આ બનાવ અંગેની જાણ તાલા પોલીસ સ્ટેશનને ક્યારે કરવામાં આવી તે અંગે કોઈ ઉલ્લેખ નથી.
ડોક્ટરો વહેલી તકે સજાની માંગ કરી રહ્યા છે
તેમજ જુનિયર ડોક્ટર દેબાશીષ હલદરે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, કોલેજ અધિકારીઓએ FIR કેમ નોંધાવી નથી? શા માટે માતા-પિતાએ FIR નોંધાવવી પડી? 9મીએ સીઝર મેમોની રચના રાત્રે 10:45 વાગ્યે સમાપ્ત થઈ, 11:45 વાગ્યે FIR નોંધવામાં આવી, તે પહેલાં સંજય રોયની રાત્રે 11:30 વાગ્યે ધરપકડ કરવામાં આવી. FIR નોંધાય તે પહેલા ગુનેગારની આટલી જલદી ધરપકડ સ્વાભાવિક રીતે શંકા ઊભી કરે છે.
અંતિમ સંસ્કારના કરવાનો કોણે આદેશ આપ્યો?: જુનિયર ડોક્ટર
જુનિયર ડોક્ટરે એમ પણ કહ્યું હતું કે, માતા-પિતાને મૃતદેહની નજીક આવવા દેવામાં આવ્યા ન હતા. તેમને મૃતદેહના અગ્નિસંસ્કાર કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અંતિમ સંસ્કારના કામમાં પોલીસની આટલી ઝડપનું કારણ શું? કોણે આપ્યો આદેશ? અગ્નિસંસ્કાર વખતે ઘરના લોકોને કોના આદેશ પર ત્યાં જવા દેવામાં આવ્યા ન હતા?
તેમણે એમ પણ કહ્યું કે, ચાર્જશીટ મુજબ સંજય રોય સવારે 3:20 વાગ્યે આરજી કર હોસ્પિટલમાં દાખલ થયો હતો. પછી 3:34 વાગ્યે ટ્રોમા કેર બિલ્ડિંગમાં ગયો. સવારે 3.36 વાગ્યે બહાર આવ્યો અને પછી ઈમરજન્સી બિલ્ડિંગના ચોથા માળે (પાંચમા માળે) ગયો. સવારે 4:30 વાગ્યે તે ત્રીજા માળે (ચોથા માળે) છાતીની દવાના વોર્ડના સીસીટીવીમાં જોવા મળ્યો હતો. દેબાશિષ હલ્દરે પૂછ્યું કે, શું સંજય લગભગ અડધો કલાક ચોથા માળે હતો? સંજય ચોથા માળે શું કરતો હતો?