જમ્મુ-કાશ્મીરમાં રવિવાર બજારમાં થયેલા ગ્રેનેડ હુમલામાં અંગે આજે પોલીસને મોટી સફળતા મળી છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરધીએ શુક્રવારે કહ્યું કે, ગ્રેનેડ હુમલાનો મામલો ઉકેલાઈ ગયો છે. આ કેસમાં પોલીસે આતંકવાદીઓના ત્રણ સહયોગીની ધરપકડ કરી છે, જેમની વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉસામા યાસીન શેખ, ઓમર ફયાઝ શેખ અને અફનાન અહેમદ તરીકે થઈ છે. તમામ આરોપીઓ શ્રીનગરના ઇખરાજપોરાના રહેવાસી છે. તેમની સામે કોળીબાગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેયએ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સની સૂચના પર આ હુમલો કર્યો હતો.

આ હુમલો 3 નવેમ્બરે થયો હતો

આઈજીપી કાશ્મીરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, 3 નવેમ્બરે TRC પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં એક મહિલા અને તેનો યુવાન પુત્ર પણ ઘાયલ થયા હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાએ લીધી હતી. હુમલા બાદ પોલીસે તપાસ માટે વિશેષ ટીમ બનાવી હતી.

આ હુમલામાં એક મહિલા ઘાયલ થઈ હતી

આ હુમલામાં ઘાયલ મહિલાની ઓળખ આબિદા તરીકે થઈ છે. તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમને નાના બાળકો છે. એ જ રીતે હુમલામાં ઘાયલ એક વ્યક્તિ હબીબુલ્લાહ પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે તેના પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય હતો.

શુક્રવારે 2 આતંકવાદીઓ માર્યા ગયા

બારામુલાના સોપોરમાં શુક્રવારે સુરક્ષાદળોને સફળતા મળી હતી. સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ સગીપોરા અને પાનીપોરા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. કારણ કે તેમને ત્યાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો મળી આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: